5 નવેમ્બર એટલે આંતરરાષ્ટ્રીય ઓર્થોટિક્સ-પ્રોસ્થેટિક્સ દિવસ

આજના દિવસની ઉજવણીને અમદાવાદની સંસ્થાએ સાર્થક કરી

ખેડાના 7 વર્ષીય બાળકને જન્મજાત લિમ્બ ડેફિશિયન્સીની ખામી

નિષ્ણાત તબીબોની ટીમે બાળકને કૃત્રિમ પગ ફીટ કરી આપ્યો

સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના તબીબો બાળક માટે બન્યા દેવદૂત

આજે તા. 5 નવેમ્બર એટલે ‘આંતરરાષ્ટ્રીય ઓર્થોટિક્સ અને પ્રોસ્થેટિક્સ દિવસ’, ત્યારે આજના દિવસની ઉજવણીને અમદાવાદની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના તબીબોએ ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે.

દર વર્ષે તા. 5 નવેમ્બરના રોજ વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ દિવસ’ ઉજવવામાં આવે છે. વર્ષ 1970માં 5મી નવેમ્બરે ‘ઇન્ટરનેશનલ સોસાયટી ફોર પ્રોસ્થેટિક્સ એન્ડ ઓર્થોટિક્સ’ની સ્થાપના થઈ હતી. શારીરિક અક્ષમતા કે, દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને કૃત્રિમ અંગો અને સહાયક સાધનો દ્વારા આત્મનિર્ભર બનાવી તેમના જીવનની ગુણવત્તા સુધારવાનો અને આ સેવાઓ દરેક જરૂરિયાતમંદ સુધી સમાન રીતે પહોંચે તે માટે જાગૃતિ લાવવા માટે આ સંસ્થાનો હેતુ રહ્યો છે, ત્યારે ખેડા જિલ્લાના 7 વર્ષીય બાળક નેત્ર પટેલને જન્મજાત લિમ્બ ડેફિશિયન્સીની ગંભીર ખામી હોવાથી, દેશની જાણીતી હોસ્પિટલોએ તેનો પગ કાપવાની (એમ્પ્યુટેશન કરવાની) સલાહ આપી હતી.

અમદાવાદની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના પી એન્ડ ઓ (P&O) વિભાગના નિષ્ણાત તબીબોની ટીમે પગ કાપ્યા વિના, તેને અકબંધ રાખીને જ ખાસ ડિઝાઇન કરેલો કૃત્રિમ પગ (પ્રોસ્થેસિસ) સફળતાપૂર્વક ફીટ કરી આપ્યો છે. ખાનગી હોસ્પિટલોમાં રૂ. 1થી 1.5 લાખના ખર્ચે થતી આ સારવાર, સાધનનું ફીટિંગ તેમજ બાળકના શારીરિક વિકાસ મુજબ પુખ્ત વય સુધી જરૂરી તમામ સુધારા-વધારા રાજ્ય સરકારના સહયોગથી અહીં તદ્દન વિનામુલ્યે પૂરા પડાશે. તબીબોના આ સફળ પ્રયાસથી બાળક હવે કોઈપણ ટેકા વગર દોડી શકે છે, અને અન્ય સામાન્ય બાળકોની જેમ ઉત્સાહભેર શાળાએ જવા સક્ષમ બન્યું છે.