ભરૂચમાં દિવાળીની રાતની પરિસ્થિતિ
હવાની ગુણવત્તા બગડી
ફટાકડાના કારણે ધુળીયુ વાતાવરણ
ધુમાડાનું આવરણ છવાયું
વાહનચાલકોને મુશ્કેલી
ભરૂચમાં દિવાળીની રાત્રીએ ફટાકડાના કારણે હવાની ગુણવત્તા બગડી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.વાતાવરણમાં ધુમાડાનું આવરણ જોવા મળ્યું હતું
ભરૂચ શહેરમાં દિવાળીના પર્વની ઉજવણી દરમિયાન ફટાકડાના ધુમાડાને કારણે હવાની ગુણવત્તા બગડવાની સ્થિતિ સર્જાઈ હતી. દિવાળીની રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોએ મોટી સંખ્યામાં ફટાકડા ફોડતાં વાતાવરણમાં ધુમાડાનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી ગયું હતું. જેના પગલે શહેરના રસ્તાઓ પર ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા.
ફટાકડામાંથી નીકળતા ધુમાડાના કારણે વાતાવરણ ધૂંધળું બની ગયું હતું. ખાસ કરીને રસ્તાઓ પર ધુમાડાનું પ્રમાણ વધી જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં તો રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને સામે આવતા વાહનો પણ સ્પષ્ટ દેખાતા નહોતા. જેના કારણે વાહનચાલકોને ધીમી ગતિએ અને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની ફરજ પડી હતી.દિવાળીની ખુશીમાં ફટાકડા ફોડવાની પરંપરા વચ્ચે હવામાં ફેલાયેલા ધુમાડાએ પર્યાવરણની સાથે વાહનવ્યવહારને પણ અસર પહોંચાડી હતી. ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ થવાની તેમજ આંખોમાં બળતરા જેવી સમસ્યાઓ ઊભી થવાની પણ શક્યતા રહે છે.દિવાળીની રાત્રે ભરૂચમાં સર્જાયેલી આ ધુમાડામય સ્થિતિએ હવાના પ્રદૂષણ અને પર્યાવરણની જાળવણી અંગે ફરી એકવાર ચિંતા ઊભી કરી છે.
