ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં બુદ્ધદેવ માર્કેટ નજીક જાહેર રસ્તા પર અચાનક સિમેન્ટનો વીજ પોલ ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. થાંભલો કાર પર પડતાં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી.પાંચબત્તી સ્થિત બુદ્ધદેવ માર્કેટ પાસે જાહેર માર્ગ પર સિમેન્ટનો વીજ પોલ અચાનક તૂટી પડ્યો હતો. થાંભલો ધરાશાયી થયો તે સમયે રસ્તા પરથી અન્ય વાહનચાલકો અને રાહદારીઓ પણ પસાર થઈ રહ્યા હતા, સદનસીબે તમામનો આબાદ બચાવ થયો હતો. થાંભલો કાર પર પડવાને કારણે કારનો ઉપરનો ભાગ દબાઈ જતાં ભારે નુકસાન થયું હતું.
બીજી તરફ, સિમેન્ટનો વીજ પોલ તૂટી પડવાની સાથે જ તેના પરના જીવંત વીજળીના તાર પણ જાહેર રસ્તા પર આવી ગયા હતા. જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો સાથે જ વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે રસ્તા પર લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ દુર્ઘટનાએ જાહેર માર્ગો પર જર્જરિત વીજ પોલની યોગ્ય જાળવણી અને નિયમિત ચેકિંગ અંગે તંત્રની કામગીરી તેમજ વાહનચાલકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
