સાણંદ – 2 ખાતે જીઆઇડીસીમાં વિકસાવવામાં આવ્યો મહિલા ઔદ્યોગિક પાર્ક

મહિલા સાહસિકોને બજાર ભાવ કરતા સીધી 50 ટકાની રાહતે પ્લોટ ફાળવણી

મહિલાઓ માટે રાજ્ય સરકારે ઉદ્યોગ સ્થાપવાનો માર્ગ સરળ બનાવ્યો

202 પ્લોટની ફાળવણી સાથે 145 એકમો ધમધમતા થયા

મહિલા ઔદ્યોગિક પાર્કમાં અંદાજે 2 હજાર લોકોને રોજગારી મળી

અમદાવાદના સાણંદ – 2 ખાતે જીઆઇડીસી દ્વારા વિકસાવવામાં આવેલા ‘મહિલા ઔદ્યોગિક પાર્ક’માં મહિલા સાહસિકોને બજાર ભાવ કરતાં સીધી 50 ટકાની રાહતે જમીન ફાળવવામાં આવી રહી છે.

પોતાના સપના સાકાર કરી આર્થિક રીતે પગભર બનવા માંગતી મહિલાઓ માટે રાજ્ય સરકારે ઉદ્યોગ સ્થાપવાનો માર્ગ સરળ બનાવ્યો છે. અમદાવાદના સાણંદ – 2 ખાતે જીઆઇડીસી દ્વારા વિકસાવવામાં આવેલા ‘મહિલા ઔદ્યોગિક પાર્ક’માં મહિલા સાહસિકોને બજાર ભાવ કરતાં સીધી 50 ટકાની રાહતે જમીન ફાળવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 202 પ્લોટની ફાળવણી સાથે 145 એકમો ધમધમતા થયા છે, જેના થકી અંદાજે 2 હજાર લોકોને રોજગારી મળી છે.

આ મહિલા ઔદ્યોગિક પાર્કમાં પ્રતિ ચોરસ મીટર રૂપિયા 6,740 ના સામાન્ય દર સામે મહિલાઓને રૂપિયા 3,370 ના અડધા દરે પ્લોટ અપાયા છે, જ્યારે રાજ્યના અન્ય જીઆઇડીસી વિસ્તારોમાં પણ મહિલા સાહસિકોને 10 ટકાની વિશેષ છૂટ મળે છે.

મહિલાઓ ઘરની બહાર નીકળી આત્મનિર્ભર બને તેવા હેતુથી આ પાર્ક કાર્યરત કરાયો છે. ઉદ્યોગ વિભાગ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે કેપિટલ સબસિડી, વ્યાજ અને પીએફના લાભો સીધા ઓનલાઇન મળતા હોવાથી સરકારી કચેરીઓના ધક્કા બંધ થયા છે.

રાહત દરે પ્લોટ, આર્થિક સહાય અને કૌશલ્ય વિકાસની સુવિધાઓને કારણે ઔદ્યોગિક ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે, જે રાજ્યના રોજગાર સર્જનને પણ નવો વેગ આપી રહી છે.