ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેમના માતા સાવિત્રી દેવીનું 91 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના યમકેશ્વર બ્લોક સ્થિત પોતાના પૈતૃક ગામ પંચૂરમાં શુક્રવારે સવારે 11:00 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. સીએમ યોગીના ભાઈએ આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે. માતાના નિધનના સમાચાર મળતાં જ સમગ્ર પંચૂર ગામ અને ઉત્તરાખંડ સહિત યુપીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
91 વર્ષીય સાવિત્રી દેવી પોતાના નાના પુત્ર સાથે પંચૂર ગામમાં રહેતા હતા. વધતી ઉંમરના કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા. આ પહેલાં 14 મે 2024ના રોજ પણ તેમની તબિયત લથડતાં તેમને ઋષિકેશ સ્થિત એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સીએમ યોગી પોતે તેમના ખબર-અંતર પૂછવા પહોંચ્યા હતા.
સીએમ યોગીના પિતા આનંદ સિંહ બિષ્ટનું પણ વર્ષ 2020માં 89 વર્ષની વયે નિધન થયું હતું. પિતાના અવસાનના આશરે છ વર્ષ બાદ હવે માતા સાવિત્રી દેવી પણ અનંતની યાત્રાએ નીકળી જતા યોગી આદિત્યનાથના પરિવારે માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવી દીધી છે.
મળતી માહિતી મુજબ, શનિવારે સાવિત્રી દેવીના પાર્થિવ દેહને પંચૂરથી હરિદ્વાર લાવવામાં આવશે, જ્યાં ગંગા કિનારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. માતાના આખરી દર્શન અને અંતિમ વિધિમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હરિદ્વાર પહોંચે તેવી પૂર્ણ શક્યતા છે.
