દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં કારાહુઆમાયોથી 9 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. સ્થાનિક સમય અનુસાર શુક્રવારે સાંજે આવેલા આ ભૂકંપના આંચકા રાજધાની લિમા સુધી અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 નોંધાઈ હતી.
રાજધાની લિમામાં ભૂકંપના ડરથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. પેરુની જિયોફિઝિક્સ સંસ્થાના જણાવ્યા અનુસાર, એન્ડિયન વિસ્તારના જુનિનમાં જમીનથી 129 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપ આવ્યો હતો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સિસ (GFZ)એ ભૂકંપની તીવ્રતા 6.8 મેગ્નિટ્યુડ જણાવી હતી. અધિકારીઓએ અત્યાર સુધી જાનમાલના નુકસાન અંગે કોઈ સમાચાર આપ્યા નથી.
સુનામીને લઈને પણ કોઈ ખતરો હોવાનું જણાવવામાં આવ્યું નથી. લિમામાં સાંસદોને કોંગ્રેસની ઇમારતમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. અમેરિકાના જિયોલોજિકલ સર્વે (USGS)એ ભૂકંપની તીવ્રતા 6.7 જણાવી હતી.અમેરિકાના નેશનલ સુનામી વોર્નિંગ સેન્ટરે પુષ્ટિ કરી હતી કે કેલિફોર્નિયા, ઓરેગોન, વોશિંગ્ટન, બ્રિટિશ કોલંબિયા અથવા અલાસ્કામાં સુનામીનો કોઈ ખતરો નથી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, પુકાલ્પામાં થોડીક સેકન્ડ સુધી આવા આંચકા અનુભવાવા કોઈ સામાન્ય બાબત નથી. એક ટીવી ચેનલમાં સમાચાર પ્રસારણ દરમિયાન ત્યાં હાજર તમામ કર્મચારીઓ ખૂબ જ ડરી ગયા હતા, કારણ કે આ વિસ્તારમાં આવી કુદરતી ઘટનાઓ ભાગ્યે જ જોવા મળે છે. જોકે, હવે શહેરમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે.
