ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આગામી ચાર સપ્તાહ દરમિયાન દેશના 8 રાજ્યોમાં વરસાદ પડવાની શક્યતા છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ, દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, 19 નવેમ્બરથી 17 ડિસેમ્બર દરમિયાન દેશના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.બીજી તરફ, ઉત્તર ભારતમાં ઠંડીની સાથે ગાઢ ધુમ્મસનું જોખમ પણ વધી રહ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ‘અકવાન’ ચક્રવાત ગુરુવારે રાત્રે વધુ શક્તિશાળી બન્યું હતું.
IMDના જણાવ્યા અનુસાર, ‘અકવાન’ ચક્રવાત પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાંથી કલાકના 19 કિલોમીટરની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે.
ઓડિશાના ગોપાલપુરથી 240 કિલોમીટર દૂર
ગુરુવારે રાત્રે 11:30 વાગ્યે આ વાવાઝોડું આંધ્રપ્રદેશના કલિંગપટ્ટનમથી દક્ષિણ-પૂર્વ દિશામાં 170 કિલોમીટર, વિશાખાપટ્ટનમથી પૂર્વ-દક્ષિણ-પૂર્વ દિશામાં 200 કિલોમીટર અને ઓડિશાના ગોપાલપુરથી દક્ષિણ દિશામાં 240 કિલોમીટર દૂર હતું.ચક્રવાત દરિયાકાંઠે ટકરાશે ત્યારે પવનની ઝડપ પ્રતિ કલાક 70થી 80 કિલોમીટર રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 90 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
વિશાખાપટ્ટનમના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રતિ કલાક 20થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને દરિયામાં પણ ભારે હલચલ જોવા મળી રહી છે. જોકે, વિશાખાપટ્ટનમ પર ચક્રવાતનો ખતરો ટળી ગયો છે, પરંતુ આજે ઉત્તર આંધ્રપ્રદેશમાં વરસાદ પડવાની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ, આ ચક્રવાત બપોરે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ગંજામ જિલ્લાના ગોપાલપુર નજીક ત્રાટકી શકે છે.
