રાણીકા વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક
મહિલા પર શ્વાન તૂટી પડતા ભયનો માહોલ સર્જાયો
મનપાની કામગીરી સામે ઉઠ્યા સવાલ
રૂંવાડા ઉભા કરી દેતા સીસીટીવી ફૂટેજ વાયરલ
સ્થાનિકો દોડી આવતા મહિલાનો આબાદ બચાવ
ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા એક આધેડ મહિલા પર રખડતા શ્વાને અચાનક હુમલો કરી દીધો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
ભાવનગર શહેરમાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરના રાણીકા વિસ્તારમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા એક આધેડ મહિલા પર રખડતા શ્વાને અચાનક હુમલો કરી દીધો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેને જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઈ જાય. જોકે, સદનસીબે આસપાસના લોકો સમયસર દોડી આવતા મહિલાનો આબાદ બચાવ થયો હતો.
ભાવનગરના રાણીકા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર શહેરીજનોની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે.શ્વાનના અચાનક હુમલાથી મહિલા ગભરાઈ જાય છે અને નીચે પટકાય છે.અને શ્વાને મહિલાને બચકા ભર્યા હતા,પરંતુ મહિલાની બૂમો સાંભળીને આસપાસના રહીશો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.અને સ્થાનિક લોકોએ શ્વાનને ભગાડી મૂકતા મોટી દુર્ઘટના ટળી હતી અને મહિલાનો આબાદ બચાવ થયો હતો.
ભાવનગરમાં રખડતા શ્વાન કરડવાના બનાવો સતત વધી રહ્યા છે, જેના કારણે નાના બાળકો અને વૃદ્ધોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શ્વાન ખસીકરણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ જમીની સ્તરે કોઈ નક્કર કામગીરી દેખાતી નથી. વાયરલ થયેલા આ CCTV બાદ હવે મનપા તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને રખડતા શ્વાનના ત્રાસમાંથી મુક્તિ અપાવે તેવી લોકમાંગ ઉઠી છે.
