ડાંગ ધાન્યના પુનરુત્થાનમાં રાજ્યનું અગ્રેસર મોડેલ બન્યો
આદિવાસી ખેડૂતોની આત્મનિર્ભરતાથી ખેતીથી આવક વધી
રાસાયણિક ખાતર વિના ખેતીથી જમીનની ફળદ્રુપતા વધી
સરકારી સહાયના સથવારે ખેડૂતો બન્યા ‘શ્રીઅન્ન’ના વાહક
જાડા ધાન્યોના પ્રાકૃતિક વાવેતરથી ડાંગ જિલ્લો બન્યો રાજ્ય માટે પ્રેરણારૂપ
ડાંગ જિલ્લો હવે પરંપરાગત ‘શ્રીઅન્ન’ના પુનરુત્થાનમાં રાજ્યનું નેતૃત્વ કરી રહ્યો છે. આદિવાસી ખેડૂતોની પેઢીગત સમજણને સરકારી સહાય અને આધુનિક તાલીમનો સાથ મળતા તેમની આવક અને જમીનની ફળદ્રુપતા બંને વધ્યા છે.
ડાંગ જિલ્લામાં સરકારના પ્રોત્સાહનથી ‘શ્રીઅન્ન’ એટલે કે જાડા ધાન્યોની પ્રાકૃતિક ખેતીને વેગ મળ્યો છે. અહીંના ખેડૂતો રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા વિના આ પૌષ્ટિક પાકો ઉગાડી રહ્યા છે. બજારમાં વધતી માંગ અને સરકારી યોજનાઓના પીઠબળથી તેમને સારા ભાવ તથા નવી ઓળખ મળી રહ્યા છે.
‘આત્મા’ પરિયોજના અને પ્રાકૃતિક ખેતી બોર્ડ દ્વારા ખેડૂતોને જીવામૃત, બીજામૃત અને ઘનજીવામૃત બનાવવાની તાલીમ અપાય છે. યોજના હેઠળ દેશી ગાયના નિભાવ માટે વાર્ષિક રૂપિયા 10,800 અને નોંધણી કરાવનાર ખેડૂતોને રૂપિયા 2000 ની સહાય મળે છે. રાસાયણિક ખાતર વિના પકવવામાં આવતા નાગલી, સામો, વરી અને કોદરી જેવા પૌષ્ટિક પાકોએ ખેડૂતો માટે આર્થિક પ્રગતિની નવી તકો ઊભી કરી છે. પ્રકૃતિના જતન સાથે આત્મનિર્ભર બનતા આ ખેડૂતોની સફળતા ખરેખર પ્રેરણાદાયી છે.
કૃષિ અધિકારીઓના માર્ગદર્શનથી ખેડૂતો જમીનમાં ફાયદાકારક જીવાણુઓ વધારીને ફળદ્રુપતા સુધારી રહ્યા છે. તાલીમ પામેલા ખેડૂતો હવે ‘કોમ્યુનિટી રિસોર્સ પર્સન’ બનીને આસપાસના સાત ગામોના અન્ય ખેડૂતોને પણ તાલીમ આપે છે.
ખેતરોથી લઈને બજારો સુધી, ડાંગનું ‘શ્રીઅન્ન’ આદિવાસી પરિવારોની આજીવિકાને મજબૂત બનાવી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી, સરકારી સહાય અને મૂલ્યવર્ધિત ઉત્પાદનો થકી ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બન્યા છે, જેનાથી સદીઓ જૂની કૃષિ પરંપરાને પણ નવજીવન મળ્યું છે.
