બોલિવૂડ સંગીત જગતના જાણીતા સંગીતકાર ઇસ્માઇલ દરબારના માતા જૈતુનબીબી દરબારના વર્ષ 2009માં થયેલા મૃત્યુ કેસમાં મોટો ચુકાદો આવ્યો છે. સુરતના ડો. પરેશ ભજીયાવાલાને તબીબી બેદરકારી બદલ કોર્ટે કસૂરવાર ઠેરવી 2 વર્ષની સજા ફટકારી છે.

સંગીતકાર ઇસ્માઇલ દરબારના માતા 70 વર્ષીય જૈતુનબીબી દરબારનું સારવાર દરમિયાન દાખવવામાં આવેલી ઘોર બેદરકારીના કારણે મોત નિપજ્યું હોવાનું સાબિત થયું છે. ફરિયાદ પક્ષના વકીલ કેતન રેશમવાલાની ધારદાર દલીલોના અંતે 17 વર્ષ લાંબી ચાલેલી કાનૂની લડત બાદ ડોક્ટરને દોષિત જાહેર કરવામાં આવતા તબીબી આલમમાં ચકચાર મચી ગઈ છે.
સંગીતકાર ઇસ્માઇલ દરબારના માતા જૈતુનબીબીને તાવ અને અન્ય બીમારીની ફરિયાદ બાદ અહીં સારવાર માટે દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન તેમને પીઠમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ સ્ટાફ દ્વારા પીઠના ભાગે ગરમ પાણીની હીટ બેગ મુકવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ તંત્ર અને તબીબની ગંભીર બેદરકારીના કારણે ગરમ પાણીની બેગ આખી રાત તેમના શરીરની નીચે જ રહી ગઈ હતી.
આ સમગ્ર ઘટના જાન્યુઆરી-2009માં સુરતની ગિરીશ ગ્રુપ ઓફ હોસ્પિટલ (GGH) ખાતે બની હતી. વકીલ કેતન રેશમવાલાએ જણાવ્યું કે, આખી રાત ગરમ પાણીની બેગ શરીરના સંપર્કમાં રહેવાને કારણે જૈતુનબીબી પીઠના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા, અને તેમની પીઠમાં એક મોટું કાણું (હોલ) પડી ગયું હતું.
આ ગંભીર ઇજાને કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી પાવર) અત્યંત ઓછી થઈ ગઈ હતી. ત્યારબાદ તેમની તબિયત સતત લથડતી ગઈ હતી, અને તેઓ ફરી ક્યારેય પથારીમાંથી ઊભા થઈ શક્યા નહોતા. અંતે 11 ફેબ્રુઆરી-2009ના રોજ સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નિપજ્યું હતું. જોકે, માતાના મૃત્યુ બાદ ઇસ્માઇલ દરબારે હોસ્પિટલ સત્તાધીશોની ઘોર બેદરકારી સામે અવાજ ઉઠાવ્યો હતો, અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વકીલ કેતન રેશમવાલાએ વધુમાં ઉમેર્યું હતું કે, આ કેસમાં કુલ 2 આરોપી બનાવવામાં આવ્યા હતા, જેમાં ડો. પરેશ ભજીયાવાલા અને નર્સ ચંચુબેનનો સમાવેશ થાય છે. તબીબી બેદરકારીના આ ગંભીર મામલે પોલીસ દ્વારા બંને આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી, અને ત્યારબાદ કેસની ટ્રાયલ શરૂ થઈ હતી.
ટ્રાયલ દરમિયાન જામીન પર છૂટેલી નર્સ ફરાર આ કેસની સુનાવણી દરમિયાન નર્સ ચંચુબેન જામીન પર મુક્ત થયા હતા. પરંતુ ચાલુ ટ્રાયલ દરમિયાન જ તેઓ ફરાર થઈ ગયા હતા, અને હાલ તેઓ ભાગેડુ જાહેર થયેલા છે. તો બીજી તરફ, આ કેસમાં ડો. પરેશ ભજીયાવાલા સામે ટ્રાયલ ચાલી હતી. જેમાં તેમની તબીબી બેદરકારી સ્પષ્ટપણે સાબિત થતા તેમને કસૂરવાર ઠેરવવામાં આવ્યા છે. વર્ષ 2009ના આ ચકચારી કેસમાં તબીબર કસૂરવાર ઠરતા બેદરકાર તબીબો સામે લાલબત્તી સમાન દાખલો બેઠો છે, જ્યારે તબીબી આલમમાં ભારે ખળભળાટ પણ મચ્યો છે.
