ભારતમાં માર્ચ મહિનામાં લોકડાઉન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આત્મનિર્ભર અને વોકલ ફોર લોકલ સહિતના અનેક સુત્રો આપ્યાં હતાં પણ કોરોનાની બીજી લહેરમાં બધા દાવાઓ પોકળ સાબિત થયાં છે અને ભારતને ઓકિસજન અને વેકસીન માટે અન્ય દેશો પાસે મદદનો હાથ લંબાવવો પડયો છે. દેશમાં રોજના એક લાખ કરતાં વધારે કોરોનાના કેસ આવી રહયાં છે.

ભારતમાં હાલ કોરોનાની મહામારી સંદર્ભમાં વેકસીનેશન અભિયાન ચાલી રહયું છે. ભારતમાં હાલ ઓકિસજનની અછત વર્તાઇ રહી છે. ઓકિસજનના અભાવે કોરોનાના અનેક દર્દીઓ જીવ ગુમાવી રહયાં છે. એક વર્ષના સમયગાળામાં ભારત કોરોનાને પહોંચી વળવા માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં પાછળ રહી ગયું હોય તેવું ચિત્ર ઉપસી રહયું છે. અમેરિકા સહિતના દેશોમાંથી ભારતને ઓકિસજન સિલિન્ડર, ઓકિસજન પ્લાન્ટ, વેકસીન સહિતની વસ્તુઓ મંગાવી પડી રહી છે. ભારતમાં વેકસીનનેશન અભિયાન દરમિયાન પણ રસીના ડોઝનો જથ્થો ઓછો પડી રહયો છે. આજે શનિવારના રોજ રશિયાથી સ્પુતનિક – વી રસીનો જથ્થો ભારતમાં આવી પહોંચ્યો છે. ભારતમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં રશિયાએ બનાવેલી સ્પુતનિક -વી રસીના ઉપયોગને મંજુરી આપવામાં આવી છે. હાલમાં ભારતમાં કોવેકસીન અને કોવીશિલ્ડ એમ બે રસીનો ઉપયોગ કરવામાં આવશે. રશિયાએ મોકલાવેલા સ્પુતનિક -વી રસીના લાખો ડોઝના કારણે હવે દર્દીઓને રાહત સાંપડશે. કોરોનાના રાષ્ટ્રીય સંકંટ દરમિયાન વિશ્વના અનેક દેશોએ ભારત માટે મદદનો હાથ લંબાવ્યો છે.