ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે ‘પુસ્તક બોલે છે.’ નવતર પ્રયોગ થકી ત્રિ-દિવસીય પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓમાં પુસ્તકવાંચન પ્રત્યેની રુચિ વધે, તેમની વિચારશક્તિ અને કલ્પનાશક્તિ વિકસે તેમજ તેઓનું વ્યક્તિત્વ ધડાય તે હેતુથી ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલયમાં ‘પુસ્તક બોલે છે.’ નવતર પ્રયોગનું આયોજન કરવામાં આવ્યું છે. પુસ્તક પ્રદર્શનના મુખ્ય ઉદઘાટક તરીકે પુસ્તક પ્રેમી અને ચેનલ નર્મદાના ડાયરેકટર ૠષિ દવે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. શાળાની લાયબ્રેરીના કુલ 4500 જેટલાં પુસ્તકોનું બન્ને બિલ્ડીંગમાં થઇ એમ 5 હોલમાં ત્રિ-દિવસીય પ્રદર્શન યોજાય રહ્યું છે, ત્યારે આ પ્રદર્શનમાં સાહિત્ય, નવલકથા, ઇતિહાસ, ધાર્મિક, વિજ્ઞાન, બાળ-સાહિત્ય સહિત સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનો વિશાળ સંગ્રહ રજૂ કરવામાં આવ્યો છે. તા. 8,9,10 એમ સતત ત્રણ દિવસ સુધી શાળાના નર્સરીથી ધો-6થી 9 અને 11ના વિદ્યાર્થીઓ પુસ્તક પ્રદર્શનની મુલાકાત લેશે. પુસ્તક પ્રદર્શનના આયોજનમાં શાળા પરિવાર, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
