વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે,આ પ્રસંગે પીએમ મોદીએ વડોદરામાં રૂ.35,000 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી,જ્યારે નવસારીમાં ‘નમો કમલમ’નું લોકાર્પણ કર્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે, જ્યાં તેમણે રાજ્યને હજારો કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે. વડોદરાથી શરૂ થયેલી આ મુલાકાતમાં વડાપ્રધાને રૂપિયા 20,700 કરોડના ખર્ચે તૈયાર થયેલા WDFC ફ્રેઇટ કોરિડોરનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે આયોજિત ‘નમો 4 વિકસિત ભારત’ કાર્યક્રમ દરમિયાન તેમણે રૂપિયા 35,000 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું.

આ પ્રસંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે સુરત-વાપી બુલેટ ટ્રેન સેક્શન આ વર્ષે ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે, જેનાથી વડોદરાથી મુંબઈ વચ્ચેનું અંતર માત્ર 1.5 કલાકમાં કાપી શકાશે. આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરા બાદ નવસારી માટે પણ આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે, જ્યાં દેશના રાજકારણમાં આધુનિક ટેકનોલોજી અને રાજનીતિનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. વડાપ્રધાન મોદીએ નવસારી ખાતે દેશના પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’નું ભવ્ય લોકાર્પણ કર્યું હતું. નવસારી આગમન પર 1100 બહેનોના કળશ અને 500 ડમરુના નાદ સાથે પીએમ મોદીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.