ગુજરાતમાં ચોમાસું લંબાઇ જતાં ખેડુતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે. ખેતરોમાં વાવેતર કરાયેલાં પાકને નુકશાન ન થાય તે માટે ખેડુતોને વધુ સમય વિજળી તથા કેનાલમાંથી પાણી આપવાની માંગણી આમ આદમી પાર્ટીએ કરી છે.

વરસાદ લંબાવાને કારણે ખેતીને નુકશાન ન થાય તે માટે વીજળીનાં કલાક વધારવા આપના કાર્યકર્તાઓ અને ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન આપી રજુઆત કરવામાં આવી છે. આ વર્ષે ચોમાસાની શરૂઆતનો વરસાદ વહેલો પડી ગયો હતો અને મોટા ભાગના વિસ્તારોમાં ખેડૂતોએ વાવણી કરી દીધી હતી હવે વરસાદ ખેંચાઈ જતાં બિયારણનો બગાડવાની ભીતિ ઉભી થઈ હતી જેને પગલે ખેડુતોને ચાર કલાક વધારે વીજળી આપવા માંગ કરવામાં આવી છે.

ખેડુતો બોરવેલમાંથી પાણી ખેંચી ખેતરોમાં વાવેતર કરેલા પાકને બચાવી શકે તે માટે આ માંગ કરાય છે. આ ઉપરાંત કેનાલો મારફતે પણ ખેડુતોને પુરતા પ્રમાણમાં પાણી આપી પાકને બચાવવા રજુઆત કરાય છે. આવેદનપત્ર આપતી વેળા આપના કિશાન મોરચાના કેયુર પટેલ સહિતના આગેવાનો હાજર રહયાં હતાં.