ભારતીય ક્રિકેટ ટીમના ભુતપુર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટસમેન મહેન્દ્રસિંહ ધોનીએ બુધવારના રોજ 40 વર્ષ પુર્ણ કર્યા છે. દેશ-દુનિયાના ઘણા ક્રિકેટર્સે સોશિયલ મીડિયા પર ધોનીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. અંકલેશ્વરમાં રહેતાં ધોનીના મોટા ચાહક એવા વિઠ્ઠલાણી પરિવારે પણ “માહી”ના જન્મદિવસની ઉજવણી કરી હતી.
ભારતીય ક્રિકેટ ટીમને વિશ્વકપ જીતાડવાથી લઇ નવી ઉંચાઇઓ સુધી લઇ જનાર મહેન્દ્રસિંહ ધોનીએ 40 વર્ષ પુર્ણ કર્યા છે. સાતમી જુલાઇના રોજ કેપ્ટન કુલનો જન્મદિવસ હતો. પોતાની કારકિર્દી દરમિયાન માહીએ ઘણું માન-સન્માન મેળવ્યું છે. એક કેપ્ટન તરીકે તે ખેલાડીઓને સપોર્ટ કરતો રહે છે. ધોનીએ પોતાની કારકિર્દી દરમિયાન ઘણા ખેલાડીઓને ઝીરોથી હીરો બનાવ્યા છે.
મહેન્દ્રસિંહ ધોની દેશ તથા વિદેશમાં મોટો ચાહક વર્ગ ધરાવે છે. અંકલેશ્વર ખાતે રહેતાં સંદિપ વિઠ્ઠલાણી તથા તેમનો આખો પરિવાર મહેન્દ્રસિંહ ધોનીનો મોટો ચાહક છે અને છેલ્લા 10 વર્ષથી મહેન્દ્રસિંહ ધોનીના જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરે છે. આ વર્ષે પણ સંદિપ વિઠ્ઠલાણી તેમના પુત્ર રીશાને કેક કાપી પોતાના માનીતા ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીના જન્મદિવસની ઉજવણી કરી હતી. સંદિપ વિઠ્ઠલાણી અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી અલકાપુરી સોસાયટીમાં રહે છે અને તેમને ક્રિકેટ પ્રત્યે ભારે લગાવ છે. મહેન્દ્રસિંહ ધોનીના જન્મદિવસે કેક કાપતી વેળા વિઠ્ઠલાણી પરિવારના અન્ય સભ્યો પણ હાજર રહયાં હતાં.
