આગામી તા. ૨૮/૦૩/૨૦૨૨થી શરૂ થઈ રહેલી ધોરણ-૧૦ (એસ.એસ.સી.) તથા ધોરણ-૧૨ એચ.એસ.સી. સામાન્ય પ્રવાહ, અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાને અનુલક્ષીને રાજ્યભરમાં કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે.

ડાંગ જિલ્લાના ૧૪ જેટલા નિયત કરાયેલા પરીક્ષા કેન્દ્રોની ચોતરફ, ૧૦૦ મીટરના ત્રિજ્યા વિસ્તારમા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે, તેમજ પરીક્ષાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે કેટલાક પ્રતિબંધો ફરમાવાયા છે. આ વિસ્તારના તમામ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા, તથા મોબાઇલ ફોન, સેલ્યુલર ફોન, તથા અન્ય ઇલેક્ટ્રીક ઉપકરણો પરીક્ષાના સ્થળે લઈ જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એ.ગામીત દ્વારા તા. ૨૮/૦૩/૨૦૨૨થી તા. ૧૨/૦૪/૨૦૨૨ સુધી, સવારે ૧૦:૧૫ કલાકથી સાંજે ૧૮:૩૦ કલાક દરમિયાન, 4 કે તેથી વધુ શખ્સોના ભેગા થવા, અને સભાઓ ભરવા કે બોલાવવા, તથા સરઘસ કાઢવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવાયો છે. સાથે, જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા સૂત્રો પોકારવા, જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવી અફવા ફેલાવવા, મોબાઈલ ફોન સાથે રાખવા, કે તેના ઉપયોગ કરવા ઉપરાંત ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા જણાવાયું છે. આ પ્રતિબંધો, આવશ્યક સેવા તથા ફરજની કામગીરીમા રોકાયેલ હોય તેમને, તેમજ પ્રતિબંધિત વિસ્તારમાંથી સ્મશાન યાત્રામા જતા વ્યક્તિઓને લાગુ પડશે નહી. જેની નોંધ લેવા સંબંધિતોને જણાવાયું છે.