નવસારી જિલ્લાની 3 નદીઓમાં આવેલા ઘોડાપુરથી થયેલી તારાજી અને સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરવા આવેલી કેન્દ્રની ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમે ગ્રામ્ય વિસ્તારની મુલાકાત બાદ આજે નવસારી શહેરની મુલાકાત લીધી હતી. જોકે, આજે પાલિકા તંત્રએ કેન્દ્રીય ટીમના સભ્યોને શહેરના પુર પ્રભાવિત વિસ્તારોના બદલે વિજલપોરમાં ફેરવ્યા હતા, જેને લઈને પણ અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે.

નવસારી જિલ્લામાં ગત તા. 7થી 15 જુલાઈ સુધી મેઘાએ ધમદાટી બોલાવી હતી, ત્યારે નવસારી સહિત ઉપરવાસમાં પડેલા સાંબેલાધાર વરસાદના કારણે જિલ્લાની કાવેરી, અંબિકા અને પૂર્ણા નદીમાં 3 વાર પુરની સ્થિતિ સર્જાય હતી, જ્યારે તા. 14 અને 15 જુલાઈના રોજ ઘોડાપુર આવતા નદી કિનારાના અનેક ગામડાઓ અને શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. પુરના ધસમસતા પાણીના કારણે ઘણા રસ્તાઓ, પુલ તેમજ મકાનોને નુકશાન થયું હતું, ત્યારે પુર બાદની ભારત સરકારના ગૃહ મંત્રાલયના ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઇન્ટર મિનિસ્ટ્રીયલ હોમના જોઈન્ટ સેક્રેટરી સંજીવ સેહગલ સહિત 4 સભ્યોની ટીમે 2 દિવસ નવસારી જિલ્લાના પુર પ્રભાવિત વિસ્તારોમાં સ્થાનિક તંત્ર સાથે ફરી સ્થળ અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ તંત્રના જુદા-જુદા 13 વિભાગો સાથે બેઠક કરી સમીક્ષા પણ કરી હતી. ગત રોજ જિલ્લાના ગણદેવી, ચીખલી અને વાંસદા તાલુકાના પુર પ્રભાવિત ગામડાઓમાં ટીમ ફરી હતી, જ્યારે આજે નવસારી શહેરના પુર પ્રભાવિત વિસ્તારની કેન્દ્રીય ટીમ મુલાકાટ કરવાની હતી. પરંતુ પુર અસરગ્રસ્ત વિસ્તારના બદલે સીઓએ દ્વારા જ્યાં પુરની સ્થિતિ જ ન હતી, તેવા વિસ્તારોમાં આ ટીમને ફેરવી હતી. આ ટીમ શહેરના દશેરા ટેકરી, ભેંસતખાડા, ગધેવાન મોહલ્લો, શાંતાદેવી રોડ કે, જ્યાં પુરની સ્થિતિ હતી, ત્યાં પહોંચી ન હતી. બાદમાં શહેરના મુખ્ય ફિલ્ટરેશન પ્લાન્ટની મુલાકાત લઈ ટીમ પરત ફરી હતી. જેથી અનેક તર્ક વિતર્ક પણ વહેતા થયા છે.