નવસારી જિલ્લાના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલામાં ગંભીર ઇજાના કારણે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર લીધા બાદ રજા મળતા તેઓએ પોતાની સંઘર્ષ યાત્રાને યથાવત રાખવા જણાવ્યુ હતું.

નવસારી જિલ્લાના ખેરગામ બજારમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર ગત તા. 8મી ઓક્ટોબરના રોજ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ ઘાયલ થયા હતા, અને વાંસદાની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા હતા, ત્યારે અનંત પટેલ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેઓ લગભગ અઠવાડિયા સુધી ઘરે આરામ કરશે, સાથે જ તેમની બાકી રહેલી સંઘર્ષ યાત્રાની તૈયારીઓમાં જોતરાશે. સંભવિત રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આ મહિનાની અંતિમ તારીખમાં જાહેર થઈ શકે છે. જેને લઇને રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે, ત્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પણ પોતાના વિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

થોડા દિવસો અગાઉ તેમના ઉપર થયેલા હુમલાની અસર વાંસદા વિધાનસભામાં ચોક્કસ થશે તેવું તેમના સમર્થકો માની રહ્યા છે, ત્યારે ધારાસભ્ય અનંત પટેલે હુમલાની ઘટનાને લઈને જણાવ્યુ હતું કે, જ્યાં સુધી મારા ઉપર થયેલા હુમલાના આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મારૂ આંદોલન ચાલુ રહેશે, અને મારી સંઘર્ષ યાત્રામાં મને હિંમત આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું.