સૌરાષ્ટ્રભરની જેલના કેદીઓ પરીક્ષા આપે તે હેતુથી રાજકોટ જિલ્લા જેલ ખાતે એક કેન્દ્ર ફાળવવામાં આવ્યુ છે. જેમાં 46 કેદી ભાઈઓ બહેનોએ પરીક્ષા આપી હતી.

સામાન્ય રીતે આપણે ત્યાં એવી માન્યતા છે કે જેલમાં જનાર આરોપી જેલામાંથી બગડીને જ બહાર આવતો હોઈ છે. પરંતુ આ માન્યતા ખોટી છે કારણકે જેલમાં પણ ઘણા એવા કેદીઓ હોઈ છે કે જેઓ પોતે કરેલ કૃત્ય અંગે પસ્તાવો વ્યક્ત કરતા હોય છે. અને પોતાની કારકિર્દી અંગે પણ સભાન હોય છે. ત્યારે ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષાનુ એક કેન્દ્ર રાજકોટ જિલ્લા જેલમાં પણ રાખવામાં આવ્યુ છે.

જેલ પ્રશાસન દ્વારા પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. કુલ 46 જેટલા કેદીભાઈઓ તથા બહેનો પરીક્ષા આપી શકે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષામાં પોરબંદરની એક મહિલા કેદી કાજલબેન કે જે પોતે 302ના ગુનામાં સજા કાપી રહ્યા છે. તેઓએ પોતાની નાનકડી દીકરીને સાથે રાખી પોરબંદરથી રાજકોટ જેલમાં પરીક્ષા આપવા આવ્યા હતા.

રાજકોટ મધ્યસ્થી જેલમાં બોર્ડ પરીક્ષા માટે કરાયેલી વ્યવસ્થાનું નિરીક્ષણ રાજકોટ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ પણ કર્યુ હતુ.