યુપી વોરિયર્સે શુક્રવારે મહિલા પ્રીમિયર લીગ (WPL) મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 10 વિકેટથી હરાવ્યું. યુપીની આ બીજી જીત છે. તેના માટે કેપ્ટન એલિસા હીલીએ 96 રનની અણનમ ઇનિંગ રમી હતી. ટૂર્નામેન્ટમાં આરસીબીની આ સતત ચોથી હાર છે. સ્મૃતિ મંધાનાની કેપ્ટનશિપવાળી ટીમ અત્યાર સુધીની ચારેય મેચ હારી ચૂકી છે. બીજી તરફ યુપીની ત્રણ મેચમાંથી બે જીત છે.
સોફિયા એક્લેસ્ટોનની શાનદાર બોલિંગની મદદથી યુપીએ આરસીબીને 19.3 ઓવરમાં 138 રનમાં આઉટ કરી દીધી હતી. સોફિયાએ 13 રનમાં 4 વિકેટ લીધી હતી. તેમના સિવાય દીપ્તિ શર્માએ 26 રનમાં ત્રણ અને રાજેશ્વરી ગાયકવાડે 26 રનમાં 1 વિકેટ લીધી હતી. જવાબમાં યુપી વોરિયર્સે 42 બોલ બાકી રહેતા 13 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 139 રન બનાવીને મેચ જીતી લીધી હતી.