મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકને સુપ્રીમ કોર્ટ તરફથી આંચકો લાગ્યો છે.કોર્ટે નવાબ મલિકની વચગાળાની જામીનની અરજીને ફગાવી દીધી છે. શુક્રવારે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે તે આ તબક્કે આ મામલામાં હસ્તક્ષેપ કરી શકે નહીં.
જણાવી દઈએ કે આ પહેલા બોમ્બે હાઈકોર્ટે પણ મલિકને વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. તેણે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. અગાઉ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધિત કેસમાં નવાબ મલિક વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. EDના વકીલોએ કહ્યું કે કોર્ટમાં 5000 થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધિત કેસોની વિશેષ અદાલત દસ્તાવેજોની ચકાસણી બાદ ચાર્જશીટની નોંધ લેશે. જણાવી દઈએ કે મલિકની આ કેસમાં 23 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી, હાલ તે ન્યાયિક કસ્ટડીમાં છે.
