વઢવાણના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂતની સિદ્ધિ

ગૌમૂત્ર સહિત જીવામૃતના સહારે કરી પ્રાકૃતિક ખેતી

4 એકરમાં હળદરની ખેતી થકી અન્ય ખેડૂતોને પ્રેરણા

ખેડૂતે ઘરઆંગણે હળદરનું પ્રોસેસિંગ યુનિટ શરૂ કર્યું

તૈયાર ઉત્પાદનો ખેડૂતે સીધા ગ્રાહકો સુધી પહોંચાડ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂતે માત્ર ગૌમૂત્ર અને જીવામૃતના સહારે 4 એકરમાં હળદરની પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતોને પ્રેરણા આપી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વડોદ ગામે છેલ્લાં 13 વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા કાળુભાઈ અને તેમના પુત્રએ 4 એકરમાં હળદર પકવી, ઘરઆંગણે જ પ્રોસેસિંગ યુનિટ શરૂ કર્યું છે. શુદ્ધ હળદર પાવડર અને અથાણું તૈયાર કરી સીધા ગ્રાહકો સુધી પહોંચાડીને તેઓ વાર્ષિક રૂ. 2.50 લાખનો નફો મેળવી રહ્યા છે. મૂલ્યવર્ધન થકી તૈયાર ઉત્પાદનો સીધા ગ્રાહકો સુધી પહોંચાડીને આ પરિવારે સાબિત કર્યું છે કે, પરંપરા અને પુરુષાર્થનો સંગમ ખેડૂતને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવી શકે છે.

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંશોધન અનુસાર, રાસાયણિક પદ્ધતિના 19.3 ટનની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં પ્રતિ હેક્ટર 40.66 ટન જેટલું વિક્રમજનક ઉત્પાદન નોંધાયું છે. આ સફળતા પુરવાર કરે છે કે, સરકારી સહયોગ, પ્રાકૃતિક પદ્ધતિ અને મૂલ્યવર્ધન જ ખેડૂતની આવક વધારવાનો સૌથી સચોટ માર્ગ છે, ત્યારે ઝેરી રસાયણો વિના પણ ધરતીમાંથી સોનું ઉપજાવી શકાય છે, તે સુરેન્દ્રનગર જિલ્લાના વડોદ ગામના 70 વર્ષીય ખેડૂતે સાબિત કરી બતાવ્યું છે.