ભરૂચ શહેરના અતિ વ્યસ્ત ગણાતા આઇકોનિક રોડ પર રસ્તા પર ઓઇલ ઢોળાઈ જતાં ટુ-વ્હીલર ચાલકો માટે જોખમી પરિસ્થિતિ સર્જાઈ હતી. રોડ પર ઓઇલના કારણે વાહનોનાં ટાયર લપસતાં ટૂંકા સમયગાળામાં પાંચથી સાત બાઈક અને મોપેડ સવાર રસ્તા પર પટકાયા હતા. આઇકોનિક રોડ પર કોઈ વાહનમાંથી ઓઇલ લીકેજ થયું હોવાની આશંકા છે. જેના કારણે રસ્તા પર ઓઇલ ફેલાઈ જતાં ત્યાંથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકો વાહન પરનો કાબૂ ગુમાવી લપસ્યા હતા. એક બાદ એક વાહનચાલકો પટકાતાં માર્ગ પર અકસ્માતનો ભય ઊભો થયો હતો.

જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ વાહનચાલકને ગંભીર ઈજાઓ પહોંચી ન હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં નગરપાલિકા દ્વારા રસ્તા પર ફેલાયેલા ઓઇલ પર રેતીનો છંટકાવ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેથી વાહનો લપસવાની શક્યતા ઘટાડી શકાય.