રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ભરૂચની મુલાકાતે
હલદરવા, દીવી અને જૂના બોરભાઠા ગામની મુલાકાત
વિવિધ કાર્યક્રમોમાં આપી હાજરી
પ્રાકૃતિક ખેતી અંગે આપ્યું માર્ગદર્શન
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 2 દિવસની ભરૂચ જિલ્લાની મુલાકાતે છે ત્યારે તેઓએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.આ પ્રસંગે રાજ્યના જળ સંપત્તિ મંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભરૂચ જિલ્લાની બે દિવસીય મુલાકાત દરમિયાન હલદરવા, દીવી અને જૂના બોરભાઠા ગામે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.હલદરવા ગામની પ્રાથમિક શાળામાં રાત્રિ વિશ્રામ દરમિયાન વહેલી સવારે રાજ્યપાલે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ કર્યો હતો. તેમણે સ્વસ્થ જીવન માટે યોગને દૈનિક જીવનશૈલીમાં અપનાવવા તેમજ બાળકો અને યુવાનોને મોબાઈલની લતથી દૂર રહી અભ્યાસ અને નૈતિક સંસ્કારો પર ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો હતો.
અંકલેશ્વર તાલુકાના દીવી ગામે પ્રગતિશીલ ખેડૂત બળવંતભાઈ પટેલના પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત દરમિયાન રાજ્યપાલે ગાયનું દોહન કર્યું હતું અને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને પ્રેરિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીથી ખેતી ખર્ચ ઘટાડી જમીનની ફળદ્રુપતા જાળવી શકાય છે.
જૂના બોરભાઠા ગામે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલે રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં આઠ લાખથી વધુ અને ભરૂચ જિલ્લામાં ૨૨ હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. આ પ્રસંગે સફળ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં ૧૮૦ ક્લસ્ટર તૈયાર કરાયાં છે અને ૨૨,૫૦૦થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી માટે સજ્જ થયા છે. જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે ૪૯ જેટલાં વેચાણ કેન્દ્રો કાર્યરત છે.કાર્યક્રમમાં રાજ્યના પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્યો, વહીવટી અધિકારીઓ, પ્રગતિશીલ ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
