ભરૂચના આમોદનો ચકચારી બનાવ
આમોદના ઇખર ગામનો બનાવ
પુત્રએ વૃદ્ધ પિતાની કરી હત્યા
ગામની સીમમાં પેટ્રોલ છાંટી જીવતા સળગાવ્યા
પોલીસે હત્યારા પુત્રની કરી ધરપકડ
ભરૂચના આમોદના ઈખર ગામે 92 વર્ષીય વૃદ્ધ પિતાની તેના જ સગા પુત્રએ હત્યા કરી હોવાનો ચોકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ગામની સીમમાં બકરા ચરાવવા ગયેલ વૃદ્ધ પિતા પર પેટ્રોલ છાંટી તેમને જીવતા સળગાવી હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.
ભરૂચના આમોદ તાલુકાના ઇખર ગામે 92 વર્ષીય વૃદ્ધ પિતાની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પોતાના જ પિતાની હત્યાના આરોપસર 57 વર્ષીય પુત્ર મુસ્તાક અલી પટેલની પોલીસે ધરપકડ કરી છે. આમોદ પોલીસ અને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે ગણતરીના કલાકોમાં સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો હતો.
ઇખરથી મેસરાજ તરફ જતા માર્ગ પર કપાસના ખેતર નજીક આવેલી બાવળની ઝાડીમાંથી અડધી સળગેલી હાલતમાં એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ 92 વર્ષીય વૃદ્ધ તરીકે થઈ હતી.
પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, વૃદ્ધ પિતા ગામની સીમમાં બકરીઓ ચરાવવા ગયા હતા. તે દરમિયાન તેમના પુત્રએ કથિત રીતે તેમના પર પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં વૃદ્ધનું મોત થયું હતું.પોલીસ તપાસમાં હત્યા પાછળનું સંભવિત કારણ પણ સામે આવ્યું છે.
આરોપી પુત્ર મુસ્તાક અલી પટેલ પોતાના પિતા ગામના લોકો પાસેથી વારંવાર ઉછીના રૂપિયા માંગતા હોવાને કારણે પોતાની બદનામી થતી હોવાની લાગણીથી કંટાળ્યો હતો અને આ કારણસર તેણે પિતાની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આમોદ પોલીસ અને ભરૂચ LCBની સંયુક્ત ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસની સઘન તપાસના અંતે ગણતરીના કલાકોમાં જ આરોપી પુત્ર મુસ્તાક અલી પટેલને ઝડપી પાડવામાં આવ્યો હતો.આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જે પિતાએ પુત્રને ઉછેરીને મોટો કર્યો, એ જ પિતાની હત્યાના આરોપમાં પુત્રની ધરપકડ થતાં પિતા-પુત્રના સંબંધોને લાંછન લગાવતી આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે ચર્ચા જગાવી છે.
