ભરૂચના હાંસોટ પંથકમાં આયોજન

સુણેવખુદ ગામે આયોજન

ખેડૂત જાગૃતિ સંમેલનનું આયોજન

વીજ લાઇનના પરિપત્ર બાબતે અપાયું માર્ગદર્શન

સરકારના પરિપત્રનો વિરોધ

ભરૂચના હાંસોટ તાલુકાના સુણેવખુદ ગામે વીજ લાઇનના અસરગ્રસ્ત ખેડૂતોનું સંમેલન યોજાયું હતું જેમાં સરકારના પરિપત્રમાં દર્શાવાયેલ MRC-માર્કેટ રેટ કમિટીની પદ્ધતિ અંગે ખેડૂતોમાં સમજણ આપવામાં આવી હતી.સાથે જ સરકારના પરિપત્રનો વિરોધ કરાયો હતો

ભરૂચના હાંસોટ તાલુકાના સુણેવખુદ ગામે ખેડૂત જાગૃતિ સંમેલન યોજાયું હતું. પાવર ગ્રીડ લાઇન સંદર્ભે ગુજરાત સરકારના તા. 04/07/2026ના પરિપત્રમાં દર્શાવાયેલી MRC-માર્કેટ રેટ કમિટીની પદ્ધતિ અંગે ખેડૂતોમાં સમજણ અને જાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલા આ સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

સંમેલન દરમિયાન ખેડૂતોની વીજ લાઇનના પ્રશ્ન સહિત ખેડૂતોને અસર કરતા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. MRC પદ્ધતિ અંગે ખેડૂતોને જરૂરી માહિતી અને સમજ આપવામાં આવી હતી તેમજ આ મુદ્દે ખેડૂતોની રજૂઆતો અને સમસ્યાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ખેડૂત આગેવાનો તેમજ ખેડૂતપુત્ર મયુરભાઈ હાજર રહ્યા હતા. આ ઉપરાંત  ધર્મેશ પટેલ, નોફલ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.સંમેલનમાં હાંસોટ તાલુકાના અસરગ્રસ્ત તેમજ બિનઅસરગ્રસ્ત ખેડૂતોને પણ એકજૂથ થઈ પોતાના હક અને હિતના પ્રશ્નો માટે આગળ આવવા આહ્વાન કરવામાં આવ્યું હતું.

ખેડૂતોની વીજ લાઇન સંબંધિત સમસ્યાઓ અંગે પણ ચર્ચા થઈ હતી અને ખેડૂતોની માંગણીઓને યોગ્ય મંચ સુધી પહોંચાડવા માટે સંગઠિત પ્રયાસો કરવા અંગે ભાર મૂકવામાં આવ્યો હતો.આ અંગે ખેડૂત આગેવાન ધર્મેશ પટેલે જણાવ્યુ હતું કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ MRC અંગેનો પરિપત્ર તેઓને મંજુર નથી.

પરિપત્રમાં જમીનના વળતરના માર્કેટ રેટનું 2 ઘણુ વળતર આપવાની વાત છે એની જગ્યાએ 4 ઘણુ વળતર આપવું, કોરિડોર એટલે કે વીજ પોલની નીચેની જગ્યા માટે મહાનગર પાલિકા 60માં ટકા, નગરપાલિકામાં 45 ટકા અને   ગ્રામ્ય વિસ્તારમાં 30 ટકા વળતર આપવાની વાત છે જેમાં માર્કેટ રેટ નક્કી થાય એના 260 ટકા વળતર મળવું જોઈએ.આ ઉપરાંત પાક નુકશાની આજીવન એક જ વખત આપવાનું નક્કી કરાયું છે પરંતુ  3 તબક્કામાં વીજ ટાવર ઉભા કરવાની કામગીરી થાય છે ત્યારે નુકશાનીનું વળતર પણ એ જ રીતે મળવું જોઈએ અને માણસ અને પશુનો વીમો આપવો સહિતની માંગ કરવામાં આવી છે.ખેડૂતોની માંગણી ન સંતોષાય તો ગાંધીનગર કુચ કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.