ભરૂચમાં કરવામાં આવ્યો પ્રારંભ
પાંચબત્તી વિસ્તારમાં પ્રારંભ
સખી મીઠાઈ-નમકીન સ્ટોલનું ઉદ્ઘાટન
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
પાંચ વર્ષ પૂર્ણ થતા વિશેષ ઉજવણી
ભરૂચના જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત સખી મીઠાઈ અને સખી નમકીન સ્ટોલ પ્રારંભ કરવામાં આવ્યો છે.સ્ટોલની સ્થાપનાને 5 વર્ષ પૂર્ણ થતા વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચમાં મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાની દિશામાં શરૂ કરાયેલી એક પહેલ સફળતાનાં પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે. મહિલાઓના હાથને રોજગારી અને તેમના કૌશલ્યને વ્યવસાય સાથે જોડતી સખી મીઠાઈ અને સખી નમકીન સ્ટોલની સફર સતત આગળ વધી રહી છે.મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા પાંચબત્તી વિસ્તારમાં શરૂ કરવામાં આવેલા આ સ્ટોલના પાંચ વર્ષ પૂર્ણ થતાં છઠ્ઠા વર્ષમાં પ્રવેશ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ સ્ટોલની વિશેષતા એ છે કે સખી મંડળની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવતી મીઠાઈ અને નમકીનને સીધું બજાર મળી રહે છે. જેના થકી મહિલાઓને પોતાની આવડતનું યોગ્ય મૂલ્ય મેળવવાની સાથે આર્થિક રીતે પગભર બનવાની તક પણ મળી રહી છે.

આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, કારોબારી ચેરમેન પ્રજ્ઞેશ પટેલ, મહિલા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ વૈશાલી આહિર, જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટનાં ઉપપ્રમુખ જીગ્નાશા ગોસ્વામી સહિત ટ્રસ્ટના સભ્યો, સખી મંડળની બહેનો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
