રાવણ દહનની અડધી સદીની ગરિમાપૂર્ણ સફર

ઓએનજીસી કોલોની ખાતે ભવ્ય આયોજન

ગોલ્ડન જ્યુબિલી વર્ષની ભવ્ય ઉજવણી કરશે

આકાશને આંબતા કદાવર પૂતળાઓનું કરશે દહન

રાવણ,કુંભકર્ણ-મેઘનાદના નિર્માણને આખરી ઓપ

અંકલેશ્વર ઓએનજીસી કોલોની મેદાન ખાતે આ વર્ષે ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા દાયકાઓથી અવિરતપણે ચાલી આવતી આ ભવ્ય પરંપરા પોતાના ગૌરવવંતા 50 વર્ષ પૂર્ણ કરી સુવર્ણ જયંતી એટલે કે ગોલ્ડન જ્યુબલી મનાવી રહી છે.

અધર્મ પર ધર્મ અને અસત્ય પર સત્યના વિજયના પાવન પર્વ વિજયાદશમી નિમિત્તે ગુજરાતના સૌથી મોટા અને ભવ્ય આયોજનોમાં સ્થાન ધરાવતા અંકલેશ્વર ઓએનજીસી કોલોની મેદાન ખાતે આ વર્ષે ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા દાયકાઓથી અવિરતપણે ચાલી આવતી આ ભવ્ય પરંપરા આજે પોતાના ગૌરવવંતા 50 વર્ષ પૂર્ણ કરી સુવર્ણ જયંતી એટલે કે ગોલ્ડન જ્યુબલી મનાવી રહી છે.

આ સુવર્ણ અવસરને લઈને સમગ્ર ઓએનજીસી કોલોની અને આસપાસના વિસ્તારમાં ઉત્સાહ અને થનગનાટનો માહોલ જોવા મળી રહ્યો છે.આ પ્રસંગે ઓએનજીસીના એસેટ મેનેજર આર.રવિકુમાર,રામલીલા સમિતિના પ્રમુખ રાજેશકુમાર,સેક્રેટરી અનિલ સિંઘ,ખજાનચી સંજયસિંઘ પરિહાર સહિતના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

દશેરાના ઉત્સવના સાતથી નવ દિવસ અગાઉથી જ શરૂ થતી રામલીલાની દિવ્ય લીલાઓ અને મંચન આસપાસના લાખો દર્શકો માટે પરમ આકર્ષણનું કેન્દ્ર બને છે. આ ભવ્ય પર્વની તૈયારીઓ માટે ઝઘડિયા તથા આસપાસના કુશળ કારીગરો દ્વારા છેલ્લા 40 દિવસથી દિવસ-રાત ભારે જહેમત ઉઠાવીને કદાવર પૂતળાઓનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. આ વર્ષે આકાશને સ્પર્શતા 51 ફૂટ ઉંચા રાવણ તેમજ પ્રત્યેક 50 ફૂટની ઊંચાઈ ધરાવતા કુંભકર્ણ અને મેઘનાદના રાક્ષસી પૂતળાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ કદાવર પૂતળાઓને આકાર આપવા માટે 400થી વધુ વાંસ, 500 મીટર કાપડ, 150 કિલો કાગળ અને અન્ય વિશિષ્ટ સામગ્રીનો બારીકાઈથી ઉપયોગ કરવામાં આવ્યો છે, જે કારીગરોની અદ્ભુત કલાકારીગરીની સાક્ષી પૂરે છે.

રામલીલા સમિતિના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા પૂતળા નિર્માણની આ કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.જેથી આયોજનમાં કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહે. આયોજકોના જણાવ્યા અનુસાર, આ ભવ્ય ઉત્સવ માત્ર મનોરંજન પૂરતો સીમિત નથી, પરંતુ આજની આધુનિક GenZ પેઢીને આપણી સનાતન સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને ધાર્મિક મૂલ્યો સાથે જોડવા માટેનું એક શ્રેષ્ઠ માધ્યમ બની રહે છે. સુવર્ણ જયંતી વર્ષના આ ઐતિહાસિક રાવણ દહન મહોત્સવને નિહાળવા માટે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડશે અને અંકલેશ્વરની ધરા “જય શ્રી રામ” ના નારાઓથી ગુંજી ઉઠશે.