નવરાત્રીમાં મનપાનો ફૂડ સેફ્ટી વિભાગ એક્શનમાં

પીપલોદ સહિતના 6 મોટા ગરબા આયોજનોમાં ચેકિંગ

ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા 116 ફૂડ સ્ટોલની ચકાસણી

ગરબા સ્થળોએથી 113 ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવાયા

નિયમોના ઉલ્લંઘન બદલ 43 સ્ટોલધારકોને ફટકારી નોટિસ

સુરતમાં નવરાત્રીના ઉત્સવ વચ્ચે મહાનગરપાલિકાનો ફૂડ સેફ્ટી વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે, ખેલૈયાઓના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે આરોગ્ય ટીમે શહેરના જાણીતા ગરબા આયોજન પર દરોડા પાડીને મોટા પાયે તપાસ હાથ ધરી હતી.

સુરતમાં નવરાત્રીના ઉત્સવ વચ્ચે મહાનગરપાલિકાનો ફૂડ સેફ્ટી વિભાગ તદ્દન એક્શન મોડમાં આવી ગયો છે! ખેલૈયાઓના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે મહાનગરપાલિકાની ટીમે શહેરના જાણીતા ગરબા આયોજનો પર દરોડા પાડીને મોટા પાયે તપાસ હાથ ધરી હતી.

સુરતના પીપલોદ સહિતના વિવિધ વિસ્તારોમાં આયોજિત 6 જેટલા મોટા કોમર્શિયલ ગરબા મહોત્સવ સ્થળો પર ફૂડ સેફ્ટી ટીમોએ અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ગરબા સ્થળો પર આવેલા આશરે 116 જેટલા ખાદ્ય-પીણાના સ્ટોલ્સ પર સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન આરોગ્ય ટીમો દ્વારા અલગ-અલગ સ્ટોલ્સ પરથી 113 જેટલા ખાદ્ય પદાર્થોના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા છે. આ તમામ સેમ્પલ ગુણવત્તા ચકાસણી અર્થે સુરતની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, શહેરમાં યોજાયેલા ફૂડ ફેસ્ટિવલમાંથી પણ 20  જેટલા ખાદ્ય સેમ્પલો એકત્ર કરાયા છે.

ચેકિંગ દરમિયાન નિયમોના ઉલ્લંઘન બદલ કુલ 43 સ્ટોલધારકોને નોટિસ ફટકારવામાં આવી છે. ખોરાક પીરસતી વખતે એપ્રોન, કેપ કે ટોપી ન પહેરવા તેમજ હાઇજીન અને સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરવા બદલ પાલિકાની ફૂડ શાખાએ લાલ આંખ કરી છે.

સુરત મહાનગરપાલિકાની આ કડક કાર્યવાહીથી ગરબા સ્થળો પર ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકાના અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે નવરાત્રી દરમિયાન નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરનાર સામે આગામી દિવસોમાં પણ કડકમાં કડક પગલાં લેવામાં આવશે.