ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી

પ્રમુખ ડિમ્પલ રાજની અધ્યક્ષતામાં આયોજન

11 એજન્ડાઓને સર્વાનુમતે મંજૂરી

ચર્ચા માટે સમય ન અપાયાનો આક્ષેપ

ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રજૂ કરાયેલા 11 એજન્ડાઓને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. જોકે, આ બેઠકમાં એજન્ડા પર ચર્ચા માટે પૂરતો સમય ન અપાયો હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસના સભ્યોએ કરતાં વિવાદ સર્જાયો છે. 

ભરૂચ જિલ્લા પંચાયત કચેરીના સમિતિ ખંડ ખાતે જિલ્લા પંચાયતનાં પ્રમુખ ડિમ્પલ રાજની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે  ઉપસ્થિત રહ્યા હતા. આ સામાન્ય સભામાં વિવિધ 11 એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી.સભામાં ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધ તેમજ અગાઉના નિર્ણયો અંગે લેવાયેલા પગલાંના અહેવાલની નોંધ લેવામાં આવી હતી.

આ ઉપરાંત વિવિધ સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધ અને રૂ. 50 લાખથી વધુનાં કામોનાં સ્વીકારવામાં આવેલા ટેન્ડરોને મંજૂરી આપવામાં આવી હતી.જિલ્લા પંચાયતના વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબને મંજૂરી આપવા, વન અધિકાર અધિનિયમ-2006 હેઠળ જિલ્લા અને પેટા પ્રભાગીય સ્તરની સમિતિઓમાં બિનસરકારી સભ્યોની નિમણૂક કરવા, 15મા નાણાપંચ હેઠળ મળેલી વ્યાજની રકમના આયોજનને મંજૂરી આપવા સહિતના મુદ્દાઓ એજન્ડામાં સામેલ હતા.બીજી તરફ, સામાન્ય સભાની કાર્યવાહી સામે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો.

આપના સભ્ય રજની વસાવાના જણાવ્યા અનુસાર, સામાન્ય સભા માત્ર પાંચ મિનિટમાં જ પૂર્ણ કરી દેવામાં આવી હતી અને એજન્ડા પર ચર્ચા કરવાનો પૂરતો સમય આપવામાં આવ્યો નહોતો. તેમના આક્ષેપ મુજબ, ચર્ચા થાય તે પહેલાં જ રાષ્ટ્રગીત શરૂ કરી દેવામાં આવ્યું હતું.રજની વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય સભાના એજન્ડાની નકલ પણ આગલા દિવસે જ પહોંચાડવામાં આવી હતી. આથી સભ્યોને એજન્ડાનો અભ્યાસ કરીને ચર્ચા કરવાની પૂરતી તક મળી ન હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે તેમણે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સમક્ષ રજૂઆત કરી હતી.

આ મામલે જિલ્લા પંચાયતનાં પ્રમુખ ડિમ્પલ રાજે જણાવ્યું હતું કે અમે દરેક સભ્યોને સાથે લઈ કાર્યો કરી રહ્યા છે. વિકાસના કામો છેવાડાના માનવી સુધી પહોંચે એ જ અમારો ઉદ્દેશ્ય છે.