નેપાળના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી હતી. તુર્કીયે એરલાઇન્સના વિમાનના ટાયરમાં આગ લાગી હતી. પોલીસે જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. વિમાનમાં કુલ 278 મુસાફરો અને 11 ક્રૂ સભ્યો હતા.
એરપોર્ટ સુરક્ષા અધિક્ષક રાજકુમાર સિલવાલે ANIને ફોન પર જણાવ્યું હતું કે, “તુર્કીયે એરલાઇન્સની ફ્લાઇટ TK 726 ઇસ્તંબુલથી કાઠમંડુ જઈ રહી હતી અને લેન્ડિંગ દરમિયાન તેના ટાયરમાં આગ લાગી ગઈ. ફાયર ફાઈટર્સની મદદથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. બધા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.” અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાનમાં 278 મુસાફરો અને 11 ક્રૂ સભ્યો હતા. મુસાફરોમાં સંયુક્ત રાષ્ટ્રના કેટલાક અધિકારીઓ પણ હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજા થઈ નથી.
અહેવાલો અનુસાર, અકસ્માતને કારણે વિમાન રનવે પર અટકી ગયું હતું, જેના કારણે થોડા સમય માટે કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો. જોકે, પછીથી પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ. બચાવ કામગીરી દરમિયાન કેટલાક મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. માહિતી અધિકારી જ્ઞાનેન્દ્ર ભુલે પુષ્ટી કરી હતી કે બધા મુસાફરો સુરક્ષિત છે.
