દિવાળીના તહેવાર ટાણે ગુજરાતમાં અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલો 2.30 રૂપિયાનો ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે. માત્ર 13 દિવસમાં સતત બીજી વાર થયેલા આ વધારાને કારણે CNGનો નવો ભાવ 100.77 પર પહોંચીને પ્રથમ વખત સદી વટાવી ગયો છે. આ નિર્ણયથી તહેવારોમાં સામાન્ય વાહનચાલકો અને રિક્ષાચાલકો પર મોંઘવારીનો આકરો બોજ પડ્યો છે.
અગાઉ 23 ઓક્ટોબરે કંપની દ્વારા પ્રતિ કિલો 4.45 રૂપિયાનો મોટો વધારો કરવામાં આવ્યો હતો, જેનાથી ભાવ 98.47 રૂપિયાનો થયો હતો. હવે ફરીથી 2.30 રૂપિયાનો વધારો ઝીંકાતાં આંકડો 100 રૂપિયાની ઐતિહાસિક સપાટી પાર કરી ગયો છે. દિવાળીના સમયે જ આવેલો આ નિર્ણય દૈનિક અપ-ડાઉન કરતા નોકરિયાતો અને રિક્ષાચાલકો માટે આર્થિક ફટકારૂપ સાબિત થયો છે. રિક્ષાચાલકોની દૈનિક કમાણી પર આની સીધી અને આકરી અસર પડશે. તહેવારોની ખરીદી અને મુસાફરીના સમયગાળા દરમિયાન થયેલા આ સતત બીજા વધારાથી સામાન્ય નાગરિકોનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.
CNGના ભાવ સોને પાર પહોંચતા આગામી દિવસોમાં જાહેર પરિવહન અને ભાડામાં વધારો થવાની પૂરતી શક્યતા છે. આ ભાવવધારો તહેવારોની ખુશીઓ વચ્ચે મોંઘવારીનો ડામ આપનારો સાબિત થશે, જેનાથી સામાન્ય જનતા પર આર્થિક બોજ વધશે અને જીવનજરૂરી ચીજવસ્તુઓનું પરિવહન પણ મોંઘું થવાની આશંકા છે.
