ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને જિલ્લા તકેદારી સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ હતી.

મેન્યુઅલ સ્કેવેન્જર્સ સંબંધિત મુદ્દાઓને લઈને યોજાયેલી બેઠકમાં જુલાઈથી સપ્ટેમ્બર-૨૦૨૬ દરમિયાન બનેલા બનાવો, કોર્ટમાં પડતર કેસો, પોલીસ રક્ષણ તેમજ લાભાર્થીઓને સહાયની ચુકવણી સહિતના એજન્ડા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અગાઉની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને બાકી રહેલી કામગીરીની પણ સમીક્ષા કરાઈ હતી. આ ત્રિમાસિક દરમિયાન કુલ ૧૨ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું બેઠકમાં જણાવાયું હતું.

બેઠકમાં અધિક કલેક્ટર આર.બી. ભોગાયતા, એસ.ટી.-એસ.સી. સેલના અધિકારીઓ તથા જિલ્લા તકેદારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.