ભરૂચ શહેરમાં ગુનાખોરીને ડામવા અને ગુનાઓમાં સંડોવાયેલા ફરાર આરોપીઓને ઝડપી પાડવા એ’ ડિવિઝન પોલીસે 2 અલગ-અલગ કાર્યવાહીમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. શ્રવણ ચોકડી નજીક મોબાઇલ સ્નેચિંગના ગુનામાં અગાઉ એક આરોપીની ધરપકડ બાદ વધુ 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે NDPS એક્ટના ગુનામાં છેલ્લા એક મહિનાથી ફરાર આરોપીને મોહમ્મદપુરા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ગત તા. 25 ઓક્ટોબર-2026’ના રોજ ભરૂચના શ્રવણ ચોકડી નજીક ક્રોમા શોરૂમ પાસેથી પસાર થતા એક રાહદારીનો બાઈક પર આવેલા શખ્સે મોબાઇલ ફોન ઝૂંટવી લીધો હતો. આ બનાવ અંગે ફરિયાદ નોંધાયા બાદ એ’ ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
તપાસ દરમિયાન અગાઉ યામીન અલ્તાફ પટેલ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી.માંગરોલિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સની અલગ-અલગ ટીમો બનાવી અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
પોલીસે કેન્દ્ર સરકારના ટેલિકોમ મંત્રાલયના CEIR પોર્ટલ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી તપાસ આગળ ધપાવી હતી. જેના આધારે વધુ 2 આરોપી આદિલ જેસુફ સગીર અને અબ્દુલ્લા ઉર્ફે તાહીર આસીફઅલી અંસારીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ સ્નેચિંગના ગુનામાં વપરાયેલી બાઈક તેમજ અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન સહિત કુલ 6 મોબાઇલ અને અન્ય મુદ્દામાલ મળી રૂ. 97 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આદિલ જેસુફ સગીર સામે અગાઉ ભરૂચ તાલુકા પોલીસ મથકે મારામારી અને ધાકધમકી સહિતના 3 ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
