કચ્છની સમૃદ્ધ સંસ્કૃતિનો સંગમ એટલે વિશ્વપ્રસિદ્ધ ‘રણોત્સવ’

૧ નવેમ્બરથી રણોત્સવ ૨૦૨૬-૨૭નો વિધિવત પ્રારંભ થયો

આધુનિક સુવિધાઓ-સ્થાનિક રોજગારીને નવા અવસરો મળ્યા

સહેલાણીઓ માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરાય

ધોરડોએ વૈશ્વિક પ્રવાસન નક્શા પર નવી ઊંચાઈઓ સર કરી

કચ્છની સમૃદ્ધ સંસ્કૃતિના સંગમ એવા વિશ્વપ્રસિદ્ધ ‘રણોત્સવ’નો વિધિવત પ્રારંભ થઈ ચૂકતો છે, ત્યારે આ રણોત્સવ પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ અને સ્થાનિકોની આજીવિકાનો મજબૂત આધાર બન્યો છે.

ક્ષિતિજ સુધી પથરાયેલી સફેદ મીઠાની ચાદર અને કચ્છની સમૃદ્ધ સંસ્કૃતિનો સંગમ એટલે વિશ્વપ્રસિદ્ધ ‘રણોત્સવ’. ધોરડો ખાતે ૧ નવેમ્બરથી રણોત્સવ ૨૦૨૬-૨૭નો વિધિવત પ્રારંભ થયો છે, પરંતુ આ વર્ષે કુદરત મહેરબાન થતાં સફેદ રણનો નજારો ઑક્ટોબરથી જ ખીલી ઊઠ્યો છે. સમય કરતાં વહેલી જામેલી પ્રવાસન સીઝન, આધુનિક સુવિધાઓ અને સ્થાનિક રોજગારીના નવા અવસરો થકી ધોરડો વૈશ્વિક પ્રવાસન નકશા પર નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. આ રણોત્સવ પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ અને સ્થાનિકોની આજીવિકાનો મજબૂત આધાર બન્યો છે.

જોકે, આ વર્ષે ઓછા વરસાદને કારણે સફેદ રણ ઑક્ટોબરથી જ તૈયાર થઈ જતાં પ્રવાસન સીઝન નિર્ધારિત સમય કરતાં એક મહિનો વહેલી શરૂ થઈ ગઈ છે, જેના પગલે દેશ-વિદેશથી સહેલાણીઓનો પ્રવાહ ઊમટી પડ્યો છે. જામનગર, રાજસ્થાન અને મણિપુર સહિત દેશભરમાંથી આવતા પ્રવાસીઓ સફેદ રણના અલૌકિક સૌંદર્ય અને શ્રેષ્ઠ વ્યવસ્થાઓનો આનંદ માણી રહ્યા છે.

અહી સહેલાણીઓની સુવિધા માટે વહીવટી તંત્રે સબરસ બસ સ્ટેન્ડથી વૉચ ટાવર સુધી એસ.ટી.ની ‘હૉપ-ઑન, હૉપ-ઑફ’ બસ સેવા શરૂ કરી છે. આ ઉપરાંત, આઇકૉનિક ટેન્ટ સિટી અને ‘ગેટવે ટુ રણ’ સહિત ધોરડો તથા આસપાસના ૪૨ રિસૉર્ટ અને હોમ-સ્ટેમાં રોકાણની ઉત્તમ સુવિધા સાથે કચ્છની પરંપરાગત મહેમાનગતિ પીરસવામાં આવી રહી છે.

જોકે, પ્રવાસીઓની વધતી સંખ્યાથી સ્થાનિક કારીગરો અને નાના વેપારીઓને સીધો આર્થિક ફાયદો થઈ રહ્યો છે. ખાસ કરીને મહિલાઓ અને કારીગરોને આજીવિકા પૂરી પાડવા ડી.આર.ડી.એ. (DRDA) દ્વારા કચ્છી હસ્તકલાના વેચાણ માટે ખાસ સ્ટૉલ્સ ફાળવવામાં આવ્યા છે. આમ, પ્રકૃતિ, સંસ્કૃતિ અને રોજગારીનો આ સમન્વય ધોરડોને ગુજરાતના ટકાઉ પ્રવાસન અને સાંસ્કૃતિક વિરાસતનું સશક્ત પ્રતીક બનાવી રહ્યો છે.