અંકલેશ્વરના ગડખોલ નજીક કૈલાશ ટેકરી મહાદેવ મંદિર સામે રોડ પર બુલેટ મોટરસાઇકલની અડફેટે એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.
અંકલેશ્વરના ગડખોલ ખાતે કૈલાશ ટેકરી મહાદેવ મંદિર સામે રહેતાં મધુબેન ઇશ્વરભાઈ વસાવા (ઉં.વ. 50) ગત તા. 22 ઓક્ટોબર, 2026ના રોજ સાંજે આશરે સાત વાગ્યાના અરસામાં ઘરેથી સામેની બાજુ આવેલી કરિયાણાની દુકાને સામાન લેવા માટે રોડની સાઇડ પરથી ચાલતાં જઈ રહ્યાં હતાં. તે દરમિયાન GJ-16-ED-1511 નંબરની બુલેટ મોટરસાઇકલના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારતાં પાછળથી મધુબેનને ટક્કર મારી હતી.
અકસ્મતમાં મધુબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ બાદ તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.જોકે, તબિયતમાં સુધારો ન થતાં વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યાં હતાં. અહીં મેડિસિન વિભાગના MICUમાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતાં.
આ બનાવ અંગે મૃતકના પુત્ર રાહુલ ઇશ્વર વસાવાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે બુલેટ પર બે વ્યક્તિઓ સવાર હતાં. જોકે, બુલેટચાલકનું નામ અને સરનામું જાણી શકાયું નહોતું.માતાના મૃત્યુથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ફરિયાદના આધારે પોલીસે બુલેટ ચાલક અંગે તપાસ શરૂ કરી છે.
