ભરૂચ કોંગ્રેસમાં ડખો
શહેર કોંગ્રેસ પ્રમુખ સામે નોંધાઇ ફરિયાદ
એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધાયો
જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખે ફરિયાદ નોંધાવી
રાજકીય ક્ષેત્રે ખળભલાટ
ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સામે એટ્રોસિટી એક્ટ અને ધમકી આપવા સહિતની કલમો હેઠળ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે
ભરૂચ શહેર કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હવે પોલીસ મથક સુધી પહોંચ્યો છે. ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સામે એ ડિવિઝન પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ સહિત ધમકી આપવાની કલમો હેઠળ ફરિયાદ નોંધાતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.
જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબહેન તડવીએ સલીમ અમદાવાદી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે દક્ષિણ ઝોનના ઇન્ચાર્જની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક બાદ બંને આગેવાનો વચ્ચે બોલાચાલી અને ઉગ્ર તકરાર થઈ હતી.ફોટો પડાવવા બાબતે શરૂ થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને મામલો પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો હતો.
આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ફરિયાદ નોંધાતા ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીની મુશ્કેલીઓ વધી છે અને તેમની સામે ધરપકડની શક્યતા અંગે ચર્ચાઓ શરૂ થઈ છે.
