મહેસાણા-ઊંઝા હાઇવે પર આવેલા રામોસણા બ્રિજ નજીક એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક યુવાને પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રેલર નીચે ઝંપલાવી પોતાનું જીવન ટુકાવી લીધું છે. જેમાં બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. 

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, હાઇવે પરથી પસાર થઈ રહેલા ટ્રેલરની આગળ યુવાને અચાનક આવીને પડતું મૂક્યું હતું. જે યુવાન 20 ફૂટ ઢસડાતો દેખાઈ છે. ટ્રેલરના પૈડાં નીચે આવી જતાં ગંભીર ઇજાઓ થવાથી યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. 

દુર્ઘટનાનો ભોગ બનેલા કેતન પટેલના પરિવાર અંગે મળેલી વિગતો મુજબ તેઓ ખેતીકામની સાથે મુંબઈમાં તેમના સાળાની દુકાન પર નોકરી કરતા હતાં. ખેતીના કામકાજ અને એરંડા લેવા માટે તેઓ 15 દિવસ પહેલા જ પોતાના વતન પરત ફર્યા હતાં.

આ મામલે મૃતકના ભાઈ હરેશકુમાર પટેલે મહેસાણા બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હરેશકુમારની ફરિયાદના આધારે પોલીસે ટ્રેલર ચાલક સામે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.