ભરૂચમાં પેટાચૂંટણીની મતગણતરી
નેત્રંગની બિલોઠી બેઠકની પેટાચૂંટણી
મતગણતરી પ્રક્રિયા યોજાય
આપના ઉમેદવારનો વિજય
ભાજપના ઉમેદવારનો કારમો પરાજય
ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારનો ભવ્ય વિજય થયો હતો જ્યારે ભાજપના ઉમેદવારે હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠકની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ શાનદાર જીત નોંધાવી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ વસાવાએ કુલ 2,371 મત મેળવી ભાજપના ઉમેદવાર કાંતિલાલ વસાવાને 806 મતોના જંગી અંતરથી હરાવ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવારને 1,565 મત મળ્યા હતા.આ બેઠક પર અગાઉ આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યના નિધન બાદ પેટાચૂંટણી યોજાઈ હતી.
પરિણામ જાહેર થતાં જ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનોએ વિજયોત્સવ મનાવી જીતની ઉજવણી કરી હતી.આ પરિણામ બાદ 16 સભ્યો ધરાવતી નેત્રંગ તાલુકા પંચાયતમાં હવે ભાજપ અને આમ આદમી પાર્ટીના 8-8 સભ્યો થઈ ગયા છે. અગાઉ કોંગ્રેસના ઉમેદવારના સમર્થનથી ભાજપે તાલુકા પંચાયતમાં સત્તા સ્થાપી હતી.હવે બંને પક્ષો પાસે સમાન સંખ્યાબળ હોવાથી તાલુકા પંચાયતની સત્તાને લઈને આગામી દિવસોમાં રાજકીય સમીકરણોમાં ફેરફાર અને નવી રાજકીય હલચલ જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.
