આણંદ જિલ્લાના અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માતની ઘટના સામે આવી હતી આ ઘટનામાં 6ન લોકોના મોત નિપજ્યાં હતા તો 8 લોકોને ગંભીર ઇજા પોહચી હતી.

મળતી માહિતી અનુસાર આણંદ નજીકથી પસાર થતો  અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહારાષ્ટ્રથી રાજસ્થાન જઈ રહેલી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહારાષ્ટ્ર થી રાજસ્થાન જઈ રહેલી લક્ઝરી બસનું ટાયર ફાટતાં સાઈડમાં ઉભી હતી.ત્યારે ડ્રાઈવરક્લિનર તેમજ કેટલાક મુસાફરો પણ બસમાંથી ઉતરી ડિવાઈડર પર બેઠા હતા.

આ ક્ષણે મુસાફરોને ક્યાં ખબર હતી કે તેઓની સાથે કઇંક અજુગતું થવાનું છે.અને આ જ સમયે અચાનક પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે બસને પાછળથી ટક્કર મારી અને બસ ડિવાઈડર પર બેઠેલા લોકો પર ફરી વળી હતી.આ ઘટનામાં લોકો કચડાઈ જતા તેમના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.જ્યારે અન્ય લોકોને ઈજા પહોંચી છે.અકસ્માતની જાણ થતાં બનાવ સ્થળે સ્થાનિક પોલીસફાયર બ્રિગેડ તેમજ 108ની ટીમ પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને આણંદની જનરલ હોસ્પિટલ તેમજ કરમસદ મેડિકલ હોસ્પિટલ અને વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.