/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/15165522/maxresdefault-107-105.jpg)
ખેડા જિલ્લાના નડીઆદ શહેરમાં એક બાજુ વિકાસના કામો તો જોરશોરથી ચાલી રહ્યા છે. તો બીજી તરફ છાંટીયાવાડ વિસ્તારમાં બનતાં નવા રોડની કામગીરી દરમ્યાન અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વૃદ્ધ ફોલરિંગ મશીનની નીચે આવી જતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
નડીઆદના છાંટીયાવાડ-લીમડી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા બની રહેલ રસ્તાના કામકાજ દરમ્યાન અકસ્માતની ઘટના બની હતી. જેમાં ઘરેથી સાઇકલ લઈને બજાર જવા નીકળેલા 75 વર્ષીય વૃદ્ધ ફોલરિંગ મશીનની નીચે આવી જતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રસ્તામાં વેટ મિક્સિંગનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે ફોલરિંગ મશીન રિવર્સ લેતી વેળા એકાએક વૃદ્ધ આ મશીનની નીચે આવી ગયા હતા.
જેના કારણે ઘટના સ્થળે જ વૃદ્ધનું મોત નિપજતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, રોડનું કામ કરી રહેલા લોકોની બેદરકારીના કારણે અમારા સ્વજનનું મૃત્યુ થયું છે. જોકે છેલ્લા 25 દિવસથી રસ્તાનું કામ ચાલતા કોન્ટ્રાક્ટ દ્વારા કોઈપણ જાતના બેરીકેટિંગ કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.