જ્યારે જ્યારે તહેવારો આવે છે, ત્યારે 108 ઈમરજન્સી સેવાઓ વધારવામાં આવે છે. દિવાળીના તહેવાર દરમ્યાન આગ અને અકસ્માતના બનાવ બનતા હોય છે. જેને લઇ 108 ઇમરજન્સી સેવામાં વધારો થતો હોય છે, ત્યારે આ વર્ષે કોરોના મહામારીમાં પણ 108ની કામગીરીને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી સેવામાં 5થી 10 એમ્બ્યુલન્સ વધારી દેવામાં આવી છે.
આ વર્ષે કોરોના મહામારીની સાથે જ દિવાળીનો તહેવાર પણ છે, ત્યારે દિવાળી દરમ્યાન સર્જાતી કટોકટીને પહોચી વળવા તેમજ ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવા દ્વારા લોકોને 24 કલાક સારવાર મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવ્યા છે. દિવાળીના તહેવારમાં આગ અકસ્માતના બનાવોને પહોંચી વળવા 13 વર્ષના ડેટાનો અભ્યાસ કરી સૂચરું આયોજન કરવામાં આવ્યું છે. હાલ 108માં 631 જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત છે. તમામ ટીમને અગાઉથી તૈયાર કરી આયોજન કરાયું છે. જોકે તહેવાર ટાણે રાજ્યમાં ગેરેજ, હોસ્પિટલ, ખાનગી ક્લિનિક બંધ હોય તો અગાઉથી વ્હિકલ અને દવાના જથ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે દિવાળીની વાત કરીએ તો સામાન્ય સંજોગોમાં રહેતી 2850 કેસની સામે 5 ટકા વધારો નોંધાઈ શકે છે, ત્યારે નવા વર્ષે 18 ટકા વધારો એટલે 3500થી વધુ કેસ પહોંચી શકે છે.
સામાન્ય દિવસો કરતાં દિવાળીમાં કટોકટીના વધુ કેસ બહાર આવતા હોવાથી 108 એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. કોલ સેન્ટરમાં પણ તબીબને હાજર રાખવામાં આવશે, જેથી કોલ ફ્લોને પણ પહોંચી શકાય. જોકે હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે, ત્યારે પ્રતિદિન 800 કેસ હેન્ડલ કરવામાં આવતા હાલ દર્દીની સંખ્યા 450 જેટલી રહેવા પામી છે. કોવિડને લઈને અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જોકે દિવાળીમાં ફટાકડા ફોડવાથી લોકોને ઘણી વાર શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે. જેથી દિવાળી દરમ્યાન 25 ટકા કેસ વધી શકવાની શક્યતાને પગલે વ્યવસ્થા કરાઈ છે. જેમાં 70 જેટલી એમ્બ્યુલન્સ કોવિડના કેસને પહોચી વળશે, જ્યારે જરૂર જણાશે તો વધુ 10 જેટલી એમ્બ્યુલન્સ ઉમેરી લોકો માટે વ્યવસ્થા કરવામાં આવશે.