અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે શહેરની અનેક ખાનગી સોસાયટી સહિત ફ્લેટના બેઝમેન્ટ 10થી 12 ફૂટ પાણીમાં ગરકાવ થયા હતા, ત્યારે લોકોને વધુ મુશ્કેલી ન પડે તે માટે મહાનગરપાલિકા દ્વારા ડીવોટરીંગ પંપ મૂકી ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદમાં 2 દિવસ પહેલા વરસેલા વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે 48 કલાક બાદ પાણી ઓસરી રહ્યા છે. તો બીજી તરફ અનેક ખાનગી સોસાયટી સહિત ફ્લેટના બેઝમેન્ટમાં ભરાયેલ 10થી 12 ફૂટ પાણી નહીં ઓસરતા મહાનગરપાલિકા તંત્ર કામગીરીમાં જોતરાયું છે, ત્યારે મનપા દ્વારા જાહેર જનતાની સુખાકારી માટે અધિકારીઓ અને ઈજનેરોએ દિવસ-રાત સતત સ્થળ વિઝીટ કરીને પાણીના નિકાલ માટેની કામગીરી ઝડપભેર હાથ ધરી છે.

જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ 75થી વધુ ડીવોટરીંગ પંપ કાર્યરત કરી ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. શહેરીજનોને ઓછી મુશ્કેલી પડે અને સારી સુવિધા મળે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા સતત કટિબદ્ધ હોવાનો પુરાવો આપ્યો છે.