લિંબાયતમાં ખાડી પૂર બાદ જનતાનો આક્રોશ
પૂરના પાણી ઓસરી ગયા છતાં સર્વે ન કરાયો
સ્થાનિક કોર્પોરેટરે મદદ કરવાને બદલે નન્નો ભણ્યો
કેશ ડોલ ન મળતા મહિલાઓમાં ભારે રોષ
મહિલા મોરચાએ કલેક્ટર કચેરીએ કરી ઉગ્ર રજૂઆત
સુરતના લિંબાયત વિસ્તારમાં ખાડી પૂરના પાણી ઓસર્યા બાદ પણ લોકોની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. કારણ કે 15 થી 20 જેટલી સોસાયટીના રહીશોને હજી સુધી તંત્ર તરફથી મળવાપાત્ર કેશ ડોલ મળી નથી. જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુરતના લિંબાયત ઝોન હેઠળ આવતી સોસાયટીઓમાં ખાડી પૂરના પાણી ઘૂસી જતાં મોટું નુકસાન થયું હતું. પૂર ઓસર્યા બાદ સ્થાનિકોને કેશ ડોલ મળવાની આશા હતી, પરંતુ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. 15 થી 20 જેટલી સોસાયટીઓમાં વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સર્વે પણ કરવામાં આવ્યો નથી.
પોતાની નુકસાની અને હકની રજૂઆત કરવા જ્યારે સ્થાનિકો પોતાના ચૂંટાયેલા કોર્પોરેટર પાસે ગયા, ત્યારે કોર્પોરેટરે જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા હતા. કોર્પોરેટરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, ‘હું આમાં કંઈ કરી શકું નહીં, તમારે જે રજૂઆત કરવી હોય તે સીધા અધિકારીઓને કરો.
કોર્પોરેટરના આવા આઘાતજનક વલણ અને તંત્રની ઉદાસીનતાથી રોષે ભરાયેલી મોટી સંખ્યામાં મહિલાઓ સીધી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. મહિલાઓએ કલેક્ટરને રૂબરૂ મળીને પોતાની આપવીતી જણાવી હતી અને ત્વરિત સર્વે કરાવી કેશ ડોલ ચૂકવવાની માંગ કરી છે. ખાડી પૂર બાદ મદદ ન મળતા સ્થાનિકોમાં તંત્ર અને સ્થાનિક નેતાઓ સામે ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.
હવે જોવાનું એ રહેશે કે મહિલાઓની આ રજૂઆત બાદ કલેક્ટર તંત્ર દ્વારા આ સોસાયટીઓમાં ક્યારે સર્વે શરૂ કરવામાં આવે છે અને પીડિતોને ક્યારે કેશ ડોલની સહાય મળે છે.
