રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે ભાજપે તમામ 182 બેઠકો જીતવા માટે કમર કસી છે. સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસના કામો ઝડપથી થાય તે માટેના આયોજનો કરીને ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ થઈ રહ્યા છે. પણ શહેર ભાજપના કેટલાક કોર્પોરેટરો નિષ્ક્રિય રહેતા હવે નોટિસ આપવામાં આવી છે.
સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાનના કાર્યક્રમમાં મોટાભાગના ભાજપના કોર્પોરેટરો હાજર ન રહેતા તેઓને શહેર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના નેતાઓ દ્વારા ખખડાવવામાં આવ્યા હતા, અને શો કોઝ નોટીસ આપીને 3 દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપ દંડક અરુણસિંહ રાજપુતે તમામ કોર્પોરેટરોને નોટિસ આપી હતી. નોટીસમાં જણાવ્યું હતું કે, AMCમાં ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ છો. ભાજપના ઉચ્ચ પદાધિકારીઓ દ્વારા પાર્ટી અને કોર્પોરેશનના કાર્યક્રમમાં હાજર રહેવા જણાવવામાં આવે છે, તેમ છતાં પણ આવા કાર્યક્રમમાં ગેરહાજર રહો છો. એ ગંભીર બાબત છે. તા. 27 સપ્ટેમ્બરના રોજ ફૂટ ઓવરબ્રિજ ઇ-લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. પરંતુ મોટાભાગના કોર્પોરેટરો હાજર રહ્યા ન હતા. જેની પાર્ટીના ઉચ્ચ અધિકારીઓએ નોંધ લીધી છે, અને પ્રદેશ હાઇકમાંડે પણ રિપોર્ટ માંગ્યો છે, ત્યારે આ કોર્પોરેટરો કાર્યક્રમમાં હાજર હતા કે, ગેરહાજર હતા. અને જો, ગેરહાજર હતા તો શા કારણે તે હાજર નહતા, તેનો 3 દિવસમાં ખુલાસો દંડક અરુણસિંહ રાજપૂતને આપવા જાણ કરવામાં આવી છે. કેટલાક કોર્પોરેટરોએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, પોતે ત્યાં આવ્યા હતા પરંતુ સિક્યુરિટીના કારણે અંદર પ્રવેશ મળ્યો ન હતો. પોતે આવી ગયા હતા પણ હાજરી રહી ગઈ હતી, તેમ જણાવ્યું હતું. કોર્પોરેટરની નવી ટર્મને દોઢ વર્ષ પૂર્ણ થઈ ગયું હોવા છતાં પણ હજી ભાજપના કોર્પોરેટરો પોતે નવા નિશાળીયાની જેમ જ સાબિત થઈ રહ્યા છે. તો કેટલાક કોર્પોરેટરોને પોતાને ક્યાં જવાનું હતું તેનો પણ ખ્યાલ ન હતો તેવું સામે આવ્યું હતું.
