અમદાવાદ : સી.જી. રોડ પર સન્નાટો, સ્વયંભુ લોકડાઉનનો અમલ કરતાં શહેરીજનો

New Update
અમદાવાદ : સી.જી. રોડ પર સન્નાટો, સ્વયંભુ લોકડાઉનનો અમલ કરતાં શહેરીજનો

અમદાવાદ શહેરના હાર્દસમા સી.જી. રોડ પર કે જયાં દિવસ- રાત વાહનો અને લોકોની અવરજવર રહેતી હોય છે તે રોડ આજે સુમસાન ભાસી રહયો છે અને તેનું કારણ છે સ્વંયભુ લોકડાઉન.કોરોનાથી સંક્રમિત ન થઇ જવાય તે ડરથી હવે લોકો કામ વગર ઘરોની બહાર નીકળવાનું ટાળી રહયાં છે.

સદાય જીવંત અને ધબકતું રહેતું અમદાવાદ શહેર કોરોનાના અજગરી ભરડામાં આવી ગયું છે. સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે બેડ મળી રહયાં નહિ હોવાથી હવે લોકોમાં ડરની સાથે જાગૃતિ આવી છે. લોકો સ્વયંભુ લોકડાઉનનો અમલ કરતાં થયાં છે. અમદાવાદ શહેરનો સૌથી પોશ વિસ્તાર કે જયાં અનેક કંપનીઓના મોટા- મોટા શો રૂમ આવેલાં છે તેવો રોડ પણ સુમસાન લાગી રહયો છે. કનેકટ ગુજરાતની ટીમે સી.જી. રોડ વિસ્તારની મુલાકાત લીધી હતી. સૌથી મહત્વની બાબત એ જાણવા મળી હતી કે સામાન્ય દિવસોમાં સી.જી. રોડ પર વાહન પાર્ક કરવાની જગ્યા મળતી ન હતી ત્યાં આજે સન્નાટો છવાયેલો છે. મોટા ભાગની દુકાનો અને શો- રૂમ ઉપર ખંભાતી તાળા લટકતાં જોવા મળ્યાં હતાં.

લોકો સરકારને કહી રહ્યા છે કે લોક ડાઉન લાવો પરંતુ સરકાર લોક ડાઉન લાવવા તૈયાર નથી એટલા માટેજ હવે લોકોએ સ્વંયભુ લોકડાઉનનો અમલ શરૂ કરી દીધો છે. લોકોનો આ પ્રયાસ કોરોનાની ચેઇન તોડવામાં મદદરૂપ સાબિત થશે. અમદાવાદ શહેરની જ જો વાત કરવામાં આવે તો મોટા ભાગના બજારો બંધ જોવા મળી રહયાં છે. અત્યાર સુધી કોરોનાને હળવાશથી લેનારા લોકો પણ સર્તક બન્યાં છે. અમદાવાદ શહેરની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ભરાયેલી છે. ઓકિસજન અને વેન્ટીલેટર નહિ મળતાં અનેક લોકો જીવ ગુમાવી રહયાં છે. અમદાવાદીઓ પણ હવે જાન હે તો જહાન હે તેમ માની ઘરોમાં જ રહેવાનું સલામત માની રહયાં છે. કોરોનાનો કહેર ઓછો ન થાય ત્યાં સુધી આપણે ઘરો જ સલામત છીએ. કદાચ બહાર નીકળવાનું થાય તો માસ્ક અવશ્ય પહેરો તેવી તમને કનેકટ ગુજરાત તરફથી અપીલ કરવામાં આવે છે.