અમદાવાદ : રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી સામે કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તાએ કરી CBI તપાસની માંગ..!

New Update
અમદાવાદ : રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી સામે કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તાએ કરી CBI તપાસની માંગ..!

ગુજરાતભરમાં જે પ્રમાણે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તેના કારણે રેમડેસિવિર ઇન્જેક્શનની પણ ખૂબ માંગ વધી છે, ત્યારે હવે ઘણા લોકો રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી કરવા બહાર આવ્યા છે. જોકે બનાવટી ઇન્જેક્શન લેવાથી લોકોના જીવ પણ જોખમાય છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શનની થતી કાળા બજારી સામે CBI દ્વારા તપાસ થાય તેવી માંગ કરવવામાં આવી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા મનીષ દોષીનું કહેવું છે કે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ભષ્ટ્રાચારનું એપી સેન્ટર છે. વધુમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજાર વચ્ચે સ્ફોટક પુરાવા પણ મીડિયા સામે રજૂ કરવામાં આવ્યા છે.

સમગ્ર રાજ્યમાં કોરોનાનો બીજો વેવ શરૂ થયો છે. તેમાં દર્દીઓને બાચાવવા માટે રેમડેસિવિર ઇન્જેક્શનની ખૂબ માંગ વધી છે, ત્યારે જે કંપની આ ઇંજેક્શન બનાવે છે તેમાં માત્ર એક જ એવી હેટરો કંપનીએ 90 હજારથી વધારે ઇન્જેક્શન ગુજરાતમાં આપ્યા છે. રાજ્યમાં સરકાર અને ખાનગી ફાર્મા એજન્સીઓને આપવામાં આવેલા ઇન્જેક્શનની યાદી પણ રજૂ કરવામાં આવી છે. ગુજરાત સરકારને 12 હજાર ઇન્જેક્શન જ્યારે રાજ્યના 252 ખાનગી ફાર્મા એજન્સીઓને 78 હજારથી વધારે ઇન્જેક્શન આપ્યા છે. જોકે આ મામલે તપાસ થશે તો અનેક કૌભાંડીઓના નામ ખૂલે તેવી શક્યતાઓ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ વ્યક્ત કરી છે. હેટરો કંપનીએ વેબસાઇટ ઉપર યાદી જાહેર કરી લીસ્ટ આપ્યું છે, ત્યારે ગુજરાતમાં આપવામાં આવેલા ઇન્જેક્શનની યાદી સામે આવતા અનેક સવાલો ઉભા થાય છે. માત્ર એક જ કંપનીએ 90 હજારથી વધારે ઇન્જેક્શન આપ્યા છે તો ઉણપ કેમ છે..?, શું ઇન્જેક્શનની સંગ્રહખોરી કરવામાં આવી છે કે, પછી કાળા બજાર થયું છે..?, શું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ કાળા બજારમાં સંડોવાયેલ છે..?, હજારો ઇન્જેક્શન ગુજરાતમાં આવ્યા તો લોકો રસ્તે કેમ રળઝતા રહ્યા..?, આવા અનેક સવાલો વચ્ચે ભાજપ સરકારની નીતિથી લોકો મોતના મુખમાં ધકેલાયા હોવાના આક્ષેપ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ કરી આવા કૃત્યને ગુનાહિત બેદરકારી કહી છે.