/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/26155453/maxresdefault-325.jpg)
દેશ અને રાજ્યમાં કોરોના વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે. જોકે આ બધાની એક રાહતના સમાચાર સાથે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની રસી કોવેક્સીન પહોંચી ગઈ છે, ત્યારે ભારત બયોટેકની આત્મનિર્ભર વેકસિનનું 10 લોકોમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર વિશ્વમાં કોરોનાના હાહાકાર વચ્ચે કોવિડથી સંક્રમિત દર્દીઓ માટે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં ભારત બયોટેકની આત્મનિર્ભર વેક્સિનનું સંશોધન કરવામાં આવ્યું છે. ગુજરાતના 1 હજાર વોલન્ટિયરર્સ પર ટ્રાયલ માટે કોરોનાની રસી કોવેક્સિન અમદાવાદ આવી ગઈ છે, ત્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વેક્સિનની ટ્રાયલ શરૂ કરી દેવામાં આવી છે. રસીના પરીક્ષણની પ્રક્રિયા માટે સોલા સિવિલ હોસ્પિટલમાં 4 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જોકે સમાજની એક જવાબદારીના ભાગરૂપે વેક્સિનની ટ્રાયલ માટે વિદ્યાર્થી, મહિલાઓ, બિઝનેસમેન પહોચ્યા હતા. તો સાથે જ કેટલાક લોકો એકબીજાના રેફરન્સથી પણ આવ્યા હતા, ત્યારે ટ્રાયલ માટે આવેલા વોલન્ટિયર પાસે એક ફોર્મ ભરાવ્યા બાદ ગુરુવારના રોજ 10 જેટલા લોકોને કોવેક્સિનની રસી આપવામાં આવી હતી. જે આગામી દિવસમાં રોજની 25 વેક્સિન સુધી આપવાની તૈયારી પણ હોસ્પિટલ તંત્ર દ્વારા બતાવવામાં આવી છે.
જોકે મળતી માહિતી અનુસાર, આ ટ્રાયલ વેક્સિન પહેલાં તંદુરસ્ત લોકોને જ આપવામાં આવશે. જોકે આ વેક્સિન નથી, પણ ટ્રાયલ વેક્સિન છે. જેથી કદાચ તેની અન્ય આડ અસર પણ થઈ શકે તેમ છે, ત્યારે વોલન્ટિયરની સહમતી મળ્યા બાદ તેની અન્ય કોઈ બીમારી કે, ગંભીર બીમારીની હિસ્ટ્રી પણ ચેક કરવામાં આવે છે. જોકે એક વખત વોલન્ટિયર નક્કી થઈ જાય તે બાદ તેને વેક્સિન આપી એક કલાક સુધી ટ્રાયલ રૂમમાં રાખવામાં આવે છે. જો વોલન્ટિયરને કોઈ રિએક્શન ન આવે તો તેને જવા દેવામાં આવે છે. ઉપરાંત 7 દિવસ બાદ ફરી ટ્રાયલ માટે આ જ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યારે હવે કોવેક્સિનની ટ્રાયલ લોકો ઉપર સફળ નીવડે છે કે, કેમ તે હવે જોવું રહ્યું..!