/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/30170125/maxresdefault-257.jpg)
અમદાવાદ…. કદી ન રોકાતી ચહલપહલ… વાહનોની અવરજવરનો ધમધમાટ, દુકાનોમાં લાગતી લોકોની ભીડ…. અમદાવાદમાં આ દ્રશ્યો સામાન્ય છે પણ હાલ મીની લોકડાઉનના કારણે ધબકતું શહેર તેનો ધબકાર ચુકી ગયું હોય તેમ લાગી રહયું છે.
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધારે છે. રોજના 5 હજાર કરતાં વધારે કેસ સામે આવી રહયાં છે. રાજય સરકારે મીની લોકડાઉનની જાહેરાત કર્યા બાદ અમદાવાદ શહેરનું જનજીવન ઠપ્પ થઇ ચુકયું છે. કોરોનાની ચેઇન તોડવા લોકો પોતાના ઘરોમાં રહેતાં થયાં છે જયારે વેપારીઓ તેમની દુકાનો બંધ રાખી રહયાં છે. અમદાવાદ શહેરનો લગભગ 80 ટકા વિસ્તાર સુમસાન બની ગયો છે. અમદાવાદના રસ્તાઓ કે જે સતત વાહનોની અવરજવરથી વ્યસ્ત રહેતાં હતાં તે આજે ખાલીખમ જોવા મળી રહયાં છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં મોટા ભાગની દુકાનો બંધ છે અને ટ્રાફિક પણ નહિવત છે બજારો બંધ હોવાથી અમદાવાદ એકદમ શાંત લાગી રહયું છે.
શહેરના શિવરંજની જોધપુર ચાર રસ્તા માનસી ક્રોસ રોડ એસજી હાઇવે સહિતના પોશ વિસ્તારો પણ બંધ થઇ ગયા છે લોકો જો જરૂરી કામ હોઈ તોજ બહાર નીકળે છે. જવેલરી, કરિયાણા અને મોબાઈલની દુકાનોના એસોસીએશનો સહિત અનેક એસોસીએશનો મીનીલોકડાઉનને સહકાર આપી રહયાં છે. આ બધાની વચ્ચે કયાંક લોકોની ભીડ એકત્ર થવાની ફરિયાદ મળે છે તો પોલીસ સ્થળ પર પહોંચી કાર્યવાહી પણ કરી રહી છે.