અમદાવાદ : કોરોનાનું વધી રહેલું સંક્રમણ ચિંતાજનક, નવા 18 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન વધ્યાં

અમદાવાદ :  કોરોનાનું વધી રહેલું સંક્રમણ ચિંતાજનક, નવા 18 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન વધ્યાં
New Update

અમદાવાદ મહાનગરમાં કોરોના વાયરસ એક વર્ષ બાદ બમણા જોરથી પાછો આવ્યો હોય તેમ લાગી રહયો છે. શહેરમાં રોજના સરેરાશ 400 કરતાં વધારે કેસ નોંધાઇ રહયાં છે અને સમગ્ર શહેરમાં 159 જેટલા માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં આવી ગયાં છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 145 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં અને નવા 18 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા છે. શહેરમાં હાલ 159 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યાં છે. નવા માઈક્રો કેન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી આજથી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

અમદાવાદની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 451 નવા કેસ આવ્યાં છે જેની સામે 300 દર્દી સાજા થયા છે. અમદાવાદ શહેરમાં 3 દર્દીના મોત સાથે કુલ મૃત્યુ આંક 2,334 પર પહોંચ્યો છે. નવા વર્ષમાં સતત બીજા દિવસે શહેર અને જિલ્લામાં કોરોનાના નવા કેસનો આંકડો 400ને પાર થયો છે. અગાઉ 16 મેના રોજ અમદાવાદમાં સૌથી વધારે 973 કેસ નોંધાયાં હતાં. પ્રભાત ચોક ટેન્ટમાં રોજના 150 થી વધારે ટેસ્ટ થાય છે જેમાં રોજના સરેરાશ 20 થી 25 જેટલા લોકો પોઝીટીવ આવે છે.

20 માર્ચની સાંજથી 21 માર્ચની સાંજ સુધીમાં શહેરમાં 443 અને જિલ્લામાં 8 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 291 અને જિલ્લામાં 9 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 66,894 થયો છે. જ્યારે 63,068 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આમ કોરોનાએ ફરીથી માથુ ઉંચકતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે.

#containtment zone #Ahmedabad News #Covid19 Gujarat #Ahmedabad Municipal Corporation #Ahmedabad #Corona Virus Ahmedabad #Municipal Commissioner #Connect Gujarat News
Here are a few more articles:
Read the Next Article